December 26, 2024

હાઇબ્રીડ ગાંજા સાથે 7ની ધરપકડ, સરખેજનો આરોપી માણસો તૈયાર કરી વિયેતનામ મોકલતો

મિહિર સોની, અમદાવાદઃ ઇન્ટરનેશનલ એરપોર્ટ બહાર કરોડો રૂપિયાનો હાઇબ્રીડ ગાંજા સાથે સાત આરોપી ઝડપાયા છે. ગાંજાની હેરાફેરી કરવા જૂનાગઢના યુવકોને ફરવા જવાની ટ્રીપ આપી ગાંજો મંગાવતા હતા. ત્રીજી ટ્રીપમાં પોલીસની બાતમી મળતા ગાંજાની હેરાફેરી પર્દાફાશ કર્યો છે.

અમદાવાદમાં સતત ડ્રગ્સનું ચલણ વધી રહ્યું છે અને આ કારણથી અમદાવાદ શહેરમાં સતત ડ્રગ્સની આયાત કરવામાં આવી રહી છે. અમદાવાદ એરપોર્ટ પોલીસે આવું જ એક રેકેટ ઝડપ્યું છે, જેમાં સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓ વિયેતનામથી અમદાવાદ ડ્રગ્સની હેરાફેરી કરતા હતા. ઝોન 4 DCPને અને એરપોર્ટ પીઆઈ નાઈટ પેટ્રોલિંગમાં હતા અને એક માહિતી મળતાં એરપોર્ટ પોલીસને વોચમાં રાખી હતી.

આ દરમિયાન આરોપીઓ જેવા અમદાવાદ એરપોર્ટથી બહાર નીકળ્યા તુરંત જ એરપોર્ટ પોલીસે તેમની ધરપકડ કરી તપાસ કરતા 4 આરોપીઓની બેગમાંથી 2.10 કરોડનો હાઈબ્રીડ ગાંજો મળી આવ્યો હતો. વધુમાં તેમની પૂછપરછ હાથ ધરતા ખુલાસો થયો કે આરોપીઓને વિયેતનામથી હાઈબ્રિડ ગાંજો લાવવા માટે પ્રતિ ટ્રીપ 10 હજાર રૂપિયા ચૂકવવામાં આવતા હતા. આ સિવાય તેમને વિયેતનામ 4 દિવસનું સ્પેશિયલ ટુર પેકેજ આપવામાં આવતું હતું. ઝડપાયેલા આરોપીઓ 4 આરોપીઓ જૂનાગઢ છે, જે હાઈબ્રિડ ગાંજો લેવા માટે વિયેતનામ જતા હતા. આ સાથે મોહમ્મદ ફરહાન નામનો આરોપી જે અમદાવાદના સરખેજ વિસ્તારનો રહેવાસી છે તેણે જૂનાગઢના ચારેય આરોપીઓને વિયેતનામ જવા માટે તૈયાર કર્યા હતા.