January 2, 2025

PM મોદી રશિયા-યુક્રેન યુદ્ધનો લાવશે અંત… ઝેલેન્સકીને પણ હવે વિશ્વાસ, કહ્યુ – ભારતનું મહત્વ છે

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ ક્યારે સમાપ્ત થશે તેની કોઈને ખબર નથી. પરંતુ પીએમ મોદી રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને ખતમ કરી શકે છે, ખુદ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને આ વાતનો વિશ્વાસ છે.

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકીએ કહ્યું કે, પીએમ મોદી રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવી શકે છે. આ ભારતનું સૌથી મોટું મહત્વ છે. હકીકતમાં પીએમ મોદી વિશ્વના એકમાત્ર એવા નેતા છે જેમણે યુદ્ધની વચ્ચે રશિયા અને યુક્રેન બંનેની મુલાકાત લીધી છે. પીએમ મોદીએ સ્પષ્ટ કહ્યું છે કે, ભારત શાંતિની હિમાયત કરે છે અને યુદ્ધનો અંત વાતચીતથી જ થઈ શકે છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકીએ સ્વીકાર્યું છે કે, પીએમ મોદી યુક્રેન અને રશિયા વચ્ચે વાતચીતનું આયોજન કરી શકે છે, તેમાં કોઈ શંકા નથી કે ભારતમાં આવું થઈ શકે છે અને પીએમ મોદી યુદ્ધનો અંત લાવી શકે છે. પરંતુ મને લાગે છે કે, આપણે આપણી જાતને તૈયાર કરવી પડશે અને તે પણ આપણા પોતાના મુજબ, કારણ કે યુદ્ધ આપણી ધરતી પર થઈ રહ્યું છે. અમારી પાસે એક પ્લેટફોર્મ છે અને તે છે પીસ સમિટ.

ઉલ્લેખનીય છે કે, રશિયા-યુક્રેન યુદ્ધમાં ઝેલેન્સકી છેલ્લા કેટલાક સમયથી દબાણ અનુભવી રહ્યા છે. અમેરિકાની ચૂંટણીને લઈને પણ યુક્રેનને સૈન્ય સમર્થન પર શંકાના વાદળો છે. જો કે, અમેરિકા તેનો સૌથી મોટો સૈન્ય સ્ત્રોત છે. જો અમેરિકામાં સરકાર બદલાશે તો યુક્રેન પર તેની મોટી અસર પડશે.