મંદીના માહોલ વચ્ચે સુરતના ચૌટા બજારમાં પગ મૂકવાની જગ્યા નહીં, ગ્રાહકોનું કીડિયારું ઉભરાયું
અમિત રૂપાપરા, સુરત: આનંદ અને ઉત્સાહના આ દિવાળીના તહેવારમાં લોકો પરિવાર સાથે ખરીદી કરવાનું વધારે પસંદ કરતા હોય છે. ત્યારે સુરતની કપડા બજાર તેમજ અલગ અલગ ખરીદી બજારોમાં લોકોની ભીડ જોવા મળી રહી છે. તો બીજી તરફ શહેરમાં જ્વેલર્સની દુકાનમાં લોકોની ભીડ દિવાળી સમયે ઓછી થઈ ગઈ છે. જેનું મુખ્ય કારણ સોનામાં વધતો જતો ભાવ હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત બરોડા અને ચૌટા બજાર સહિતની ખરીદી માર્કેટમાં વેપારીઓનું મિશ્ર પ્રતિસાદ સામે આવી રહ્યો છે. કેટલાક વેપારીઓને દિવાળીના તહેવાર નિમિત્તે સારી આવક થઈ રહી છે, તો કેટલાક વેપારીઓને મંદીનું ગ્રહણ વેપારમાં અડચણરૂપ બન્યું છે. હાલ ચૌટા બજારમાં પગ ન મૂકી શકાય તેટલી ભીડ જોવા મળી રહી છે, પરંતુ મંદીના કારણે લોકોની ખરીદીમાં 20થી 30 ટકાનો ઘટાડો થયો છે.
દિવાળીનો તહેવાર આનંદ અને ઉત્સાહનો તહેવાર છે, ત્યારે દિવાળી પહેલા લોકો પરિવાર સાથે ખરીદી કરવાનું વધારે પસંદ કરતા હોય છે. કપડા, જ્વેલરી, બુટ ચપ્પલ સહિતની વસ્તુની ખરીદી લોકો તહેવારના સમયે કરતા હોય છે. તો બીજી બાજુ, હાલ મંદીના માહોલ વચ્ચે પણ સુરતની અલગ અલગ બજારોમાં લોકોની ભીડ જોવા મળી રહી છે. સુરતના રાજમાર્ગ પર આવેલ ચૌટા બજારમાં પગ ન મૂકી શકાય તેટલી ભીડ લોકોની જોવા મળી હતી.
ચૌટા બજાર સુરતની ફેમસ બજાર ગણાય છે અને દર વર્ષે દિવાળીના સમયે ખરીદી માટે લોકો આ બજારમાં ઉમટી પડે છે. માત્ર સુરતથી જ નહીં પરંતુ અન્ય શહેરોના લોકો પણ આ બજારમાં ખરીદી કરવા માટે આવી રહ્યા છે. કેટલાક દુકાનદારોને ખૂબ સારી આવક પણ દિવાળીના તહેવાર પહેલા થઈ રહી છે. તો કેટલાક દુકાનદારોને ત્યાં ગ્રાહક ઓછા હોવાના કારણે તે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. ચૌટા બજારના વેપારીઓ પણ મિશ્ર પ્રતિસાદ આપી રહ્યા છે. કેટલાક વેપારીઓની દિવાળી ખૂબ જ સારી છે અને કેટલાક કેટલાક વેપારીઓને મંદીના કારણે વેપાર મળી રહ્યો નથી. સુરતના વરાછા, કતારગામ, અડાજણ, અઠવાલાઇન્સ, રાંદેર, સરથાણા, હીરાબાગ સહિતના વિસ્તારના લોકો આ ચૌટા બજારમાં ખરીદી કરવા માટે આવે છે. લગ્નની ખરીદી હોય કે પછી તહેવારમાં કપડાં સહિતની વસ્તુની ખરીદી હોય લોકો એક વખત આ ચૌટા બજારની મુલાકાત લે છે.
મહત્વની વાત છે કે, ચૌટા બજારમાં કટલેરી, ગારમેન્ટ, સાડી, ડ્રેસ, કુર્તી, ઇન્ડો વેસ્ટન, જીન્સ ટોપ સહિત તમામ ચીજ વસ્તુઓ મળે છે. ગ્રાહકો માટે એક થી વધારે ચોઈસ હોવાના કારણે મહિલાઓનું ખરીદી માટેનું પસંદગીનું પહેલું બજાર આ ચૌટા બજાર કહેવાય છે. સુરતનું સૌથી જૂનું ખરીદી બજાર ચૌટા બજાર ગણવામાં આવે છે અને ચૌટા બજાર ખૂબ મોટી સંખ્યામાં વેપારીઓને રોજગારી આપનારું બજાર પણ છે. જેમાં નાના ફેરીયાઓથી લઈને શોરૂમ ધરાવનારા વેપારીઓને આ બજારમાં રોજગારી મળી રહે છે, પરંતુ હીરા બજારમાં મંદી હોવાના કારણે લોકોની ખરીદીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, બીજી બાજુ, ખરીદીમાં 20થી 30 ટકાનો ઘટાડો થયો હોવાના કારણે વેપારી પણ છેલ્લા બે વર્ષથી ઓછો નફો થઈ રહ્યો હોવાની વાત કહી રહ્યા છે.