November 22, 2024

ન્યૂઝ કેપિટલ ગુજરાત યોજશે ‘બિલ્ડર ઓફ ધ નેશન’ કોન્ક્લેવ અને એવોર્ડ

અમદાવાદ: ટૂંક સમયમાં ખુબ જ ઝડપથી લોકચાહના મેળવનાર ગુજરાતની અગ્રણી ન્યૂઝ ચેનલ ‘ન્યૂઝ કેપિટલ ગુજરાત’ રાજ્યના વિકાસમાં સિંહફાળો આપનાર બિલ્ડર્સને બિરદાવવા માટે એક કોન્ક્લેવ અને એવોર્ડ સમારંભનું આયોજન કરવા જઇ રહી છે. ‘બિલ્ડર ઓફ ધ નેશન’ નામના આ એવોર્ડની સૌરાષ્ટ્ર-કચ્છ આવૃત્તિનું 26 ઓક્ટોબરના રોજ રાજકોટમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

દરેક રિયલ એસ્ટેટ ડેવલપર પોતાના ગ્રાહકોને વેલ્યૂ ફોર મનીની સાથે સાથે આધુનિક સુવિધાઓ આપવા ઉત્સુક હોય છે. તેઓ ગ્રાહકને ઓછા ખર્ચે લક્ઝરી ફેસિલિટીઝ આપવા માટે આતુર હોય છે. રાજ્ય અને દેશના વિકાસમાં યોગદાન આપતા આવા રિયલ એસ્ટેટ ડેવલપર્સનું ન્યૂઝ કેપિટલ ગુજરાત બહુમાન કરશે. ગ્રાહકોમાં વિશ્વાસ સ્થાપિત કરવામાં અગ્રેસર રહેનાર તેમજ પોતાના વચન મુજબ ગ્રાહકને પ્રોડક્ટ ડિલિવર કરનાર ડેવલપર્સને ન્યૂઝ કેપિટલ બિરદાવશે.

આ કાર્યક્રમ અંગે માહિતી આપતા ન્યૂઝ કેપિટલના કો-ફાઉન્ડર શ્રી મૌલિક ઠાકરે જણાવ્યું હતું કે, “આજે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ઘણા આઇકનિક પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે. ઘણા બિલ્ડર્સ પોતાની ફેસિલિટીઝ અને આકર્ષક પ્રાઇસ રેન્જ ઓફર કરીને ગ્રાહકોને આકર્ષી રહ્યા છે. આવા પ્રમાણિક, પ્રતિષ્ઠિત અને ઇનોવેટિવ બિલ્ડર્સને બિરદાવવા માટે ન્યૂઝ કેપિટલ ગુજરાત એક ‘બિલ્ડર ઓફ ધ નેશન’ના નામે કોન્ક્લેવ અને એવોર્ડનું આયોજન કરવા જઇ રહી છે.”

કોન્ક્લેવ અને એવોર્ડ અંગે વધુ માહિતી આપતા શ્રી મૌલિક ઠાકરે જણાવ્યું હતું કે, રાજકોટમાં યોજાઇ રહેલા કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર અને કચ્છના બિલ્ડર્સને એવોર્ડ આપવામાં આવશે. 26 ઓક્ટોબરના રોજ રાજકોટમાં કાલાવડ રોડ ખાતે આવેલા સરાઝા બેન્ક્વેટમાં કોન્ક્લેવ અને એવોર્ડ સમારંભ યોજાશે.

ન્યૂઝ કેપિટલની નવી પહેલને બિલ્ડર્સ તરફથી મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદથી ઉત્સાહિત ન્યૂઝ કેપિટલના સીઇઓ શ્રી જનક દવેએ એવોર્ડ વિશે વધુ માહિતી આપી હતી કે, સૌરાષ્ટ્ર અને કચ્છના બિલ્ડર્સ પાસેથી નોમિનેશન મંગાવવામાં આવ્યા છે. આ નોમિનેશન એકદમ ફ્રી છે. બિલ્ડર્સના નોમિનેશન ફાઇલ થયા બાદ, નોમિનેટ થયેલા પ્રોજેક્ટનું ક્રેડાઇના નિષ્ણાત તેમજ રિયલ એસ્ટેટ જગતના અન્ય નિષ્ણાતોની બનેલી જ્યુરી દ્વારા મૂલ્યાંકન કરવામાં આવશે અને ફાઇનલ વિજેતા નક્કી કરવામાં આવશે.

આ કાર્યક્રમ ક્રેડાઇ, ગુજરાતની પાર્ટનરશિપ સાથે યોજાઇ રહ્યો છે. આ કાર્યક્રમ માટે હાથી અને સિદ્ધિ સિમેન્ટ, સિલ્વર પંપ્સ એન્ડ મોટર્સ અને વરમોરા ટાઇલ્સ સહયોગ આપી રહ્યા છે. કાર્યક્રમના આઉટડોર પાર્ટનર ગ્લોબલ પબ્લિસિટી છે.