October 25, 2024

દિલ્હી પોલીસની દેશભરમાં મોટી કાર્યવાહી, લોરેન્સ બિશ્નોઈ ગેંગના 7 શૂટરોની ધરપકડ

Lawrence Bishnoi Gang: દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગના સાત શૂટરોની ધરપકડ કરી છે. તમામ શૂટરોની પંજાબ અને આસપાસના રાજ્યોમાંથી ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી હથિયારો પણ મળી આવ્યા છે. સૂત્રોનું માનીએ તો સ્પેશિયલ સેલ બાબા સિદ્દીકી કેસમાં ધરપકડ કરાયેલા શૂટરોની પણ પૂછપરછ કરી રહી છે.

લોરેન્સ બિશ્નોઈ ગેંગ સામે કાર્યવાહી
મળતી માહિતી મુજબ, દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ સમગ્ર દેશમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા ગુનેગારોના ઠેકાણાઓ પર દરોડા પાડી રહી છે. પોલીસના આ દરોડા પછી સાત શૂટરોની ધરપકડ કરવામાં આવી હતી. હાલ પોલીસ બદમાશોની પૂછપરછ કરી રહી છે.

લોરેન્સ બિશ્નોઈના ભાઈ પર 10 લાખ રૂપિયાનું ઈનામ
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ શુક્રવારે જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈ પર 10 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. 2022માં નોંધાયેલા NIAના બે કેસમાં તેની સામે ચાર્જશીટ કરવામાં આવી છે. બાબા સિદ્દીકી હત્યા કેસ મામલે પોલીસે ખુલાસો કર્યો હતો કે NCP નેતાની હત્યા કરનારા ત્રણ શંકાસ્પદ શૂટરોએ હત્યા પહેલા જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના કેનેડા સ્થિત પિતરાઈ ભાઈ અનમોલ બિશ્નોઈ સાથે વાતચીત કરી હતી.

બાબા સિદ્દીકીની મુંબઈમાં 2 ઓક્ટોબરે હત્યા કરવામાં આવી હતી
નોંધનીય છે કે, 12 ઓક્ટોબરે મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને NCP નેતા બાબા સિદ્દીકીની મુંબઈમાં અજાણ્યા લોકોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ હત્યા કેસમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગનું નામ સામે આવ્યું હતું. મુંબઈ પોલીસે બુધવારે આ કેસમાં વધુ ત્રણ લોકોની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ રૂપેશ રાજેન્દ્ર મોહોલ (22), કરણ રાહુલ સાલ્વે (19) અને શિવમ અરવિંદ કોહર (20) તરીકે થઈ છે. આ કેસમાં અત્યાર સુધીમાં 14 લોકોની ધરપકડ કરવામાં આવી છે.