November 25, 2024

દીવમાં તંત્રનું ડિમોલિશન, અનેક પરિવાર ઘરવિહોણાં બન્યાં

દીવઃ છેલ્લા કેટલાક સમયથી ગુજરાત સરકાર એક્શનમાં આવી છે. જેમાં દબાણ કરીને ઉભા કરાયેલા ગેરકાયદેસર રહેઠાણો પર તવાઈ બોલાવવામાં આવી રહી છે. દબાણની જગ્યાઓ પર દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે. ત્યારે દીવમાં પણ દાદાનું બુલડોઝર ફર્યું છે.

દીવના કેવડીમાં આવેલા રસ્તાની બાજુના ભાગે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે ત્યાં મકાનોમાં રહેતા લોકોએ તંત્ર પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યુ હતુ કે, કોઈપણ પ્રકારની નોટિસ તંત્રએ આપી નથી અને અચાનક જ ડિમોલિશન કરવામાં આવ્યું છે.

મકાન તોડી પાડવાની કામગીરી વખતે રહીશોએ થોડો સમય આપવા માટે માગણી કરી હતી. તે છતાં તંત્રએ આંખ આડા કાન કરીને ડિમોલિશન કરી નાંખ્યું હતું. તંત્ર દ્વારા એજ્યુકેશન હબની સામેની બાજુ માલિકીની જગ્યામાં બનાવેલા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, દિવાળીનો તહેવાર નજીક હોવાથી કાર્યવાહી કરતા અનેક પરિવારો ઘરવિહોણાં બન્યા છે.