October 22, 2024

બેંગ્લોરમાં ભારે વરસાદથી તબાહી જેવી સ્થિતિ, રસ્તા પર તરતી જોવા મળી નાવડીઓ

Bangalore Flood: ભારતના સિલિકોન વેલી શહેર તરીકે જાણીતા બેંગ્લોરના રસ્તાઓ પર નાવડીઓ તરતી જોવા મળી રહી છે. વાસ્તવમાં, ગઈકાલે રાત્રે પડેલા ભારે વરસાદને કારણે સમગ્ર શહેરમાં રસ્તાઓ જળમગ્ન થઈ ગયા છે. પાણી ભરાવાને કારણે ઘણા રસ્તાઓ બંધ થઈ ગયા છે અને વહીવટીતંત્રએ લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે રસ્તાઓ પર બોટ શરૂ કરી છે. સોશિયલ મીડિયા પર આ વાતને લઈને અનેક યુઝર્સ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે અને લોકો નબળા ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને પ્રશાસન પર પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે.

મેનહોલમાં પડી જતાં મહિલાનું મોત
ભારે વરસાદને કારણે બેંગ્લોરમાં ઘણા રસ્તાઓ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે, જેના કારણે અવરજવર અને વાહનવ્યવહારને ખાસ્સી અસર થઈ છે. બેંગ્લોર ટ્રાફિક પોલીસના નોર્થ ઈસ્ટર્ન ઝોનના ACPએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને લોકોને કોગિલુ જંક્શનથી IAF તરફ જતો રસ્તો બંધ કરવાની જાણકારી આપી છે. તેમણે કહ્યું કે ‘પાણી ભરાઈ જવાને કારણે રસ્તો બંધ છે અને ત્યાં રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.’ સોમવારે બેંગ્લોરમાં એક 56 વર્ષીય મહિલાનું ખુલ્લા મેનહોલમાં પડી જતાં મોત થયું હતું. મહિલા તેના પતિ સાથે સ્કૂટર પર જઈ રહી હતી. તે દરમિયાન એક વાહને તેમના સ્કૂટરને ટક્કર મારી હતી અને ટક્કર થતાં મહિલા ખુલ્લા મેનહોલમાં પડી હતી, જેના કારણે તેનું મોત થયું હતું.

હવાઈ સેવાઓ પણ થઈ પ્રભાવિત
મીડિયા રિપોર્ટ્સ અનુસાર બેંગ્લોરના ગ્રામીણ વિસ્તારોમાં આજે સવાર સુધી 176 મિમી વરસાદ ખબક્યો છે. જ્યારે બેંગ્લોર શહેરી વિસ્તારમાં 157 મીમી વરસાદ નોંધાયો છે. વરસાદને કારણે શહેરમાં સામાન્ય જનજીવન ખોરવાઇ ગયું છે. લોકોએ સોશિયલ મીડિયા પર આ અંગે નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે અને ગ્રેટર બેંગ્લોર મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકાર પ્રત્યે સોશિયલ મીડિયા યુઝર્સ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. લોકોએ શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર પ્રશ્નો ઉઠાવ્યા. ભારે વરસાદના કારણે બેંગ્લોરમાં ફ્લાઈટ સેવા પણ પ્રભાવિત થઈ હતી. સોમવારે રાત્રે 20 થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી હતી. ભારે વરસાદને કારણે એર ઈન્ડિયાની ફ્લાઈટ અને દિલ્હીથી ઈન્ડિગોની 4 ફ્લાઈટ ચેન્નાઈ ડાયવર્ટ કરવામાં આવી હતી. ભારે વરસાદ અને પાણી ભરાવાને કારણે શહેરમાં શાળાઓ બંધ રાખવામાં આવી છે.