October 22, 2024

ભાયલી દુષ્કર્મ કેસ મામલે કોર્ટમાં 6 હજાર પાનાંની ચાર્જશીટ દાખલ, વેરિફિકેશન બાદ કાર્યવાહી

વડોદરાઃ બીજા નોરતે ભાયલીમાં થયેલી સામુહિક દુષ્કર્મની ઘટનામાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. 6 હજાર પાનાંની ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. આજે તેનું વેરિફિકેશન કરવામાં આવશે. વેરિફિકેશન બાદ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. ચાર્જશીટમાં ભોગ બનનારી પીડિતાનું 164નું નિવેદન નોંધવામાં આવ્યું છે. ચાર્જશીટમાં ફોરેન્સિક અને ઓળખ પરેડ જેવા મુદ્દાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

શું હતી સમગ્ર ઘટના?
આ ઘટના વિશે માહિતી આપતા જિલ્લા પોલીસ વડા રોહન આનંદે કહ્યુ છે કે, ‘પીડિતા પોતાના મિત્રને 11.30 વાગે રાત્રે મળી હતી. રાત્રે 12 વાગે બે બાઈક પર સવાર 5 લોકોએ જોયા હતા. પીડિતા અને તેના મિત્ર સાથે માથાકૂટ કરી હતી. 5માંથી 2 વ્યક્તિ નીકળી ગયા હતા. 2 યુવકોએ પીડિતા સાથે દુષ્કર્મ આચર્યું, 1 યુવકે પીડિતાના મિત્રને પકડી રાખી હતી.’ ઉલ્લેખનીય છે કે, ગેંગરેપ થયાની જિલ્લા પોલીસ વડાએ પુષ્ટિ કરી છે. પોલીસે પાંચેય આરોપીઓની ધરપકડ કરી છે.

આ ઘટનાની ગંભીરતા ધ્યાને રાખીને જિલ્લા પોલીસ સાથે શહેર પોલીસ પણ તપાસમાં જોડાઈ છે. સગીરા પીડિતા પરપ્રાંતીય છે. આ મામલે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓની ઉંમર 30થી 35 વર્ષ હોવાનું પોલીસનું અનુમાન છે. જિલ્લા પોલીસ વડાએ કહ્યુ છે કે, આ કેસ પોલીસ માટે ખૂબ ચેલેન્જિંગ છે. પીડિતા ગરબા રમવા નથી ગઈ. તે નોર્મલ ડ્રેસમાં હતી, ચણિયાચોળી પહેર્યા નહોતા.’