October 22, 2024

CM ઓમર અબ્દુલ્લાએ આ વિધાનસભા સીટ પરથી આપ્યું રાજીનામું

Omar Abdullah Ganderbal Seat: જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસના ગઠબંધનને 90 બેઠકો માટે વિધાનસભાની ચૂંટણીમાં જીત મળી છે. આ ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ બે વિધાનસભા બેઠકો – બડગામ અને ગાંદરબલ બેઠક પરથી ચૂંટણી લડી હતી. ચૂંટણી જીત્યા બાદ ઓમર અબ્દુલ્લાએ સીએમ પદના શપથ લીધા છે અને એ પણ નક્કી કરી લીધું છે કે તેઓ કઈ સીટ પરથી રાજીનામું આપશે.

જમ્મુ-કાશ્મીરના CM ઓમર અબ્દુલ્લાએ બડગામ વિધાનસભા બેઠક પરથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. તેઓ ગાંદરબલ વિધાનસભા સીટથી ધારાસભ્ય રહેશે. મળતી માહિતી મુજબ, ગાંદરબલ વિધાનસભા સીટને નેશનલ કોન્ફરન્સ અને અબ્દુલ્લા પરિવારનો ગઢ માનવામાં આવે છે. આ કારણસર ઓમર અબ્દુલ્લાએ આ સીટ જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે.

નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ 54 વર્ષની વયે બીજી વખત જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. નોંધનીય છે કે, 2009થી 2014 સુધી સીએમ રહીને ઓમર અબ્દુલ્લા ગાંદરબલ સીટથી ધારાસભ્ય હતા. જમ્મુ-કાશ્મીર વિધાનસભાના પ્રોટેમ સ્પીકર મુબારક ગુલે સોમવારે માહિતી આપી હતી કે ઓમર અબ્દુલ્લાએ બડગામ વિધાનસભા સીટ ખાલી કરી છે.