December 23, 2024

પાછોતરા વરસાદે ખેડૂતોની દિવાળી બગાડી, ખેતરો બેટમાં ફેરવાયાં

દશરથસિંહ રાઠોડ, અમરેલીઃ જિલ્લામાં છેલ્લા 10 દિવસથી વરસાદે ખેડૂતોની દિવાળી બગાડી નાંખી છે. ગઈકાલે ખાંભા તાલુકામાં વરસેલા વરસાદે કહેર મચાવી દીધો છે. ખાંભા શહેર અને ગ્રામ્ય પંથકોમાં સિઝનમાં નથી વરસ્યો તેવો પાછોતરો વરસાદ વરસતા ખેડૂતોના પાકને વ્યાપક નુકશાન પહોંચ્યું છે. ન્યૂઝ કેપિટલની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી ખેડૂતોની વેદના સાંભળવા ગીરના ગામડાઓમાં પહોંચી છે.

ગઈકાલે વરસેલા વરસાદથી ખેડૂતોના ખેતરોમાં તળાવ માફક વરસાદી પાણી ભરાયા છે. સંપૂર્ણ કપાસનો પાક ખેડૂતોના પાણીમાં ગરકાવ થયો છે. ખેડૂતોના સપનાઓ સૂર થયા છે. મગફળી, કપાસ સહિતના પાકો ઉપર ગઈકાલે પડેલા વરસાદથી પાણી ફરી ગયું છે. ખેડૂતોની માગ છે કે, સરકાર વહેલી તકે સરવે કરી તાત્કાલિક સહાય આપે.

બે દિવસથી અમરેલીમાં જોરદાર વરસાદ
છેલ્લા બે દિવસમાં અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે વહેલી સવારથી જ જિલ્લાના અનેક વિસ્તારમાં મેઘરાજાએ પધરામણી કરી હતી. ખાંભા અને સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. મોટા સરાકડીયા ગામની સ્થાનિક નદીમાં ભારે વરસાદને કારણે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. મિતિયાળાના જંગલમાં ભારે વરસાદને પગલે ધાતરવડી નદીમાં પૂર આવ્યું હતું. ખાંભા-ગીરના ગામડાંઓમાં પણ ધોધમાર વરસાદથી નદીના નાળાંઓ છલકાયા છે. ખાંભાના ભાવરડી, મોટા સરાકડીયા, કોદીયા, નેસડી સહિત ગામોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ઉલ્લેખનીય છે કે, સતત વરસાદને પગલે ખેડૂતો ચિંતિત બન્યા છે. ચોમાસું ખેતીના મગફળી, કપાસ, સોયાબીન સહિતના પાકને નુકસાન પહોંચ્યું છે.