October 21, 2024

અમરેલીમાં મેઘો મુશળધાર, સ્થાનિક નદીઓમાં પૂર; ડેમના દરવાજા ખોલતા નદીકાંઠાના ગામોમાં એલર્ટ

અમરેલીઃ છેલ્લા બે દિવસમાં અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે વહેલી સવારથી જ જિલ્લાના અનેક વિસ્તારમાં મેઘરાજાએ પધરામણી કરી હતી. ખાંભા અને સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. મોટા સરાકડીયા ગામની સ્થાનિક નદીમાં ભારે વરસાદને કારણે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી.

મિતિયાળાના જંગલમાં ભારે વરસાદને પગલે ધાતરવડી નદીમાં પૂર આવ્યું હતું. ખાંભા-ગીરના ગામડાંઓમાં પણ ધોધમાર વરસાદથી નદીના નાળાંઓ છલકાયા છે. ખાંભાના ભાવરડી, મોટા સરાકડીયા, કોદીયા, નેસડી સહિત ગામોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ઉલ્લેખનીય છે કે, સતત વરસાદને પગલે ખેડૂતો ચિંતિત બન્યા છે. ચોમાસું ખેતીના મગફળી, કપાસ, સોયાબીન સહિતના પાકને નુકસાન પહોંચ્યું છે.

ખાંભા-ગીરના ગામડાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. બોરાળા ગામની ટાઢીવડલી નદીમાં પૂર આવ્યું છે. ખાંભાના ખડાધાર, બોરાળા, બાબરપરા કંટાળા સહિત ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. આ ઉપરાંત લાઠીની ગાગડીયા નદી છલોછલ ભરાઈ છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે નદી બે કાંઠે વહેવા લાગી છે. ખળખળ વહેતા પાણીથી અહ્લાદક દ્રશ્યો સર્જાયા છે. ખેડુતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. નદી છલોછલ ભરાતા શિયાળુ પાકમાં મોટો ફાયદો થવાનો છે.

વડીયાના બરવાળા બાવળ ગામની નદીમાં પણ ભારે વરસાદથી ઘોડાપૂર આવ્યા છે. ગામના કૃષ્ણપરા જવાના રસ્તા ઉપર નદીના પાણી ફરી વળ્યા છે. બરવાળા ગામના કૃષ્ણપરા વિસ્તારમાં જવાના કોઝવે પર નદીના પાણી ફરી વળ્યાં છે. વડીયા સહિત પંથકમાં મુશળધાર વરસાદ વરસી પડ્યો છે. વડીયા ડેમ છેલ્લા પાંચ દિવસમાં ત્રીજી વખત ઓવરફ્લો છે. ડેમમાં પાણીની બમ્પર આવક થતા ઓવરફ્લો થયો છે. ડેમના ત્રણ દરવાજા એક એક ફૂટ ખોલવાની ફરજ પડી છે. ઉલ્લેખનીય છે કે, પાણી છોડતાંની સાથે જ નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા છે. વડીયા, ચારણીયા, સમઢીયાળા સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. લોકોને નદીના પટ વિસ્તારમાં અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી છે.