October 21, 2024

તાલાલા મેંગો માર્કેટમાં ઇકો ઝોનના વિરોધનું સંમેલન, સાંસદે કહ્યુ – હું ખેડૂતોની સાથે

અરવિંદ સોઢા, ગીર સોમનાથઃ જિલ્લાના તલાલા મેંગો માર્કેટમાં કિસાન સંઘના અધ્યક્ષ સ્થાને ઇકો ઝોન વિરૂદ્ધ સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ અને જૂનાગઢના સાંસદ ચુડાસમા પણ જોડાયા હતા. રાજેશ ચુડાસમાએ કહ્યું કે, ‘હું ખેડૂતોની સાથે છું.’

ઇકોઝોનનો વિરોધ દિન પ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે હવે તાલાલા ખાતે કિસાન સંઘના નેજા હેઠળ ગીર સોમનાથ જિલ્લા સહિત જુનાગઢના ઇકોઝોનમાં આવતા તમામ ગામોના સરપંચો તાલુકા અને જિલ્લા પંચાયતનાં સદસ્યોનું સંમેલન યોજાયું હતું. જેમાં ઇકો ઝોનના કાયદા સામે કેવી રીતે લડવું અને કેવી રીતે ઇકો ઝોનને પાછો ધકેલવા આ તમામ મુદ્દાઓ પર વિસ્તારથી ચર્ચા કરવામાં આવી હતી. જો કે, નવાઈની વાત એ છે કે, ઇકોઝોન વિરોધ સંમેલનમાં ભાજપના નાનાથી મોટા તમામ નેતાઓ પણ જોડાયા હતા. જેમાં ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્ર પીઠિયા અને જુનાગઢ ગીર સોમનાથના સાંસદ રાજેશ ચુડાસમા પણ પહોંચ્યા હતા.

તાલાલા મેંગો માર્કેટમાં યોજાયેલા સંમેલનમાં રાજેશ ચુડાસમાએ ધારદાર ભાષણ કર્યું હતું. ઇકો સેન્સિટીવ ઝોન મામલે ખેડૂતો સાથે 2016માં પણ હતો અને આજે પણ છું તેવું એલાન કર્યું હતું. રાજેશ ચુડાસમાએ ખેડૂતોને પડતી કનડગત મુદ્દે પણ ચર્ચાઓ કરી અને સલાહ પણ આપી કે, મારે જે રજૂઆતો કરવી હતી, તે મેં કરી છે. ખોટો સંમેલનમાં સમય બરબાદ ન થાય જેથી વાંધાઓ લેખિતમાં રજૂ કરવામાં આવે. આપણી પાસે હવે બહુ સમય નથી. માત્ર એક મહિનો જ બચ્યો છે, ક્યાંકને ક્યાંક એવા સંકેતો મળ્યા છે કે ઈકોઝોનના કાયદાને લઈ રાજેશ ચુડાસમા પણ નારાજ હોય તેવું લાગી રહ્યું છે અને રાજેશ ચુડાસમા પણ ઇકોઝોન મામલે ખેડૂતોની પડખે ઉભા રહેવાનું નક્કી કર્યું છે.

જો કે, ભાજપના નેતાઓ સહિત તલાલા ખાતે મોટી સંખ્યમાં સરપંચો અને આગેવાનો સમેલનમાં હાજર રહ્યા હતા. તાલાલા પાલિકાના સદસ્યો જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યો અને સરપંચો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ સમગ્ર મામલે નેતાઓ માટે સૂડી વચ્ચે સોપારી જેવો ઘાટ ઘડાયો છે. કારણે કે, ગીરમાં તમામ લોકો ઇકોઝોનના વિરુદ્ધમાં છે. જેને લઈને હવે નેતાઓની પણ મુશ્કેલી વધતી દેખાય રહી હોય તેમ લાગી રહ્યું છે.