October 21, 2024

બાબા સિદ્દીકી હત્યા કેસમાં 10મી ધરપકડ, રાજસ્થાનના આરોપીએ શૂટર્સને હથિયાર આપ્યા

Baba Siddique murder case: બાબા સિદ્દીકી હત્યા કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. માહિતી અનુસાર, આ હત્યા કેસમાં આ 10મી ધરપકડ છે. આરોપીની ઓળખ ભાગવત સિંહ તરીકે થઈ છે અને તેની ઉંમર 32 વર્ષ છે.

શૂટરોને હથિયારો પૂરા પાડ્યા
ભાગવતની નવી મુંબઈના બેલાપુરથી ધરપકડ કરવામાં આવી હતી. તે રાજસ્થાનના ઉદયપુરનો રહેવાસી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભાગવત સિંહ હુમલાના દિવસ સુધી મુંબઈના બીકેસી વિસ્તારમાં રહેતો હતા. તપાસ દરમિયાન સામે આવ્યું કે શૂટરોને ભાગવત સિંહે હથિયારો પૂરા પાડ્યા હતા. આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેને 26 ઓક્ટોબર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.

કોણ હતા બાબા સિદ્દીકી?
બાબા સિદ્દીકી મહારાષ્ટ્રના રાજકારણમાં લોકપ્રિય ચહેરો હતા. તેઓ આ વર્ષે કોંગ્રેસ છોડીને NCP (અજિત જૂથ)માં જોડાયા હતા. તે ભવ્ય ઈફ્તાર પાર્ટીઓ કરવા માટે જાણીતા હતા, જેમાં સલમાન ખાન, શાહરૂખ ખાન જેવા પ્રખ્યાત બોલિવૂડ સ્ટાર્સે હાજરી આપી હતી. તેમની પાર્ટીઓ બોલિવૂડના નાના-મોટા તમામ સ્ટાર્સ સાથે ચમકતી હતી. તેઓ 48 વર્ષથી કોંગ્રેસમાં હતા અને બાંદ્રા પશ્ચિમથી ત્રણ વખત ધારાસભ્ય પણ રહ્યા હતા. તેઓ મહારાષ્ટ્રમાં રાજ્યકક્ષાના મંત્રી પણ રહી ચૂક્યા છે.

હુમલાખોરોએ તેને ગોળી મારી દીધી હતી
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા શનિવારે (12 ઓક્ટોબર) એક મોટી ગુનાહિત ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. NCP અજિત પવાર જૂથના નેતા બાબા સિદ્દીકીની શનિવારે રાત્રે બાંદ્રા વિસ્તારમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના પ્રકાશમાં આવતાં રાજકારણમાં હડકંપ મચી ગયો છે.