December 27, 2024

જેલમાંથી બહાર આવતા ચૈતર વસાવાનો હુંકાર

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા 50 દિવસ બાદ જેલમાંથી બહાર આવ્યા છે. ત્યારે કાર્યકર્તાઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરાયુ હતું. 12 ડિસેમ્બરે ચૈતર વસાવા જેલમાં ગયા હતા. જેથી જેલમુક્ત થયેલા ચૈતર વસાવાના સ્વાગતમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટ્યા હતા. જેલની બહાર આવતા ચૈતર વસાવાના સમર્થકોએ નારા લગાવી ફુલોથી વધાવ્યા હતા.

સમગ્ર મામલે મળતી માહિતી અનુસાર ચૈતર વસાવાનો જેલવાસ પૂરો થયો છે. ત્યારે તેમના સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ચૈતર વસાવાના જેલમાંથી બહાર આવતાની સાથે જ સમર્થકો દ્વારા ‘આદિવાસી શેર આયા’ના નારા લગાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમનું ફુલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ચૈતર વસાવાના જેલમાંથી બહાર આવવાને લઇને સમર્થતો રોડ પર બેસી ગયા હતા. જેને લઇને પોલીસ દ્વારા સુરક્ષા વધારી દેવામાં આવી હતી.

જેલમાંથી બહાર આવેલા ચૈતર વસાવાએ જણાવ્યું કે, રાજકીય ષડયંત્રથી મને જેલ મોકલાયો હતો. હું હાઇકાર્ટમાં જઈશ. યુવાનો અને શિક્ષત બેરોજગાર માટે બોલીએ તે સરકારને ગમતુ નથી. આદિવાસીના હક માટે લડતા રહીશુ. ભાજપ સરકારથી ડરતા નથી. હું ભરૂચ લોકસભા પરથી લડીશ અને ત્યાંથી જીતીશ. ઉલ્લેખનીય છે કે જેલમાંથી બહાર આવ્યા ત્યારે તેમની પત્ની વર્ષા વસાવા તેમના બાળકોને લઈને પહોંચ્યા હતા. આ દરમિયાન ઈશુદાન ગઢવી પણ તેમના સ્વાગત માટે પહોંચ્યા હતા.

શું છે સમગ્ર મામલો ?

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા પંથકની જંગલની જમીન પર અમુક લોકો દ્વારા કબ્જો જમાવી લેવામાં આવ્યો હતો. આ જમીનમાં ગેરકાયદે કબજો કરી ઉપયોગ કરવામાં આવતો હોવાનું તંત્રના ધ્યાને જતા વનવિભાગનના સબંધિત અધિકારીઓ દોડી ગયા હતા. જ્યા કામગીરી અટકાવી હતી. આ દરમિયાન જમીન પર ખેડાણની બાબતમાં ત્યાં ડેડીયાપાડાના MLA ચૈતર વસાવા અને વનવિભાગના કર્મચારીઓ વચ્ચે બબાલ થઈ જતા મામલો બીચકાયો હતો. આ દરમિયાન બીજા અન્ય લોકો સામે પણ બોલાચાલી થતા પોલીસ ફરિયાદ ઉઠી હતી અને અમુક લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે દેડીયાપાડા વન કર્મીઓને ધમકાવી 60 હજાર રૂપિયા પડાવી લેવાના ગુનામાં ચૈતર વસાવા સહિત 9 આરોપીને જામીન મળી ગયાં છે જયારે 3 ને હજી જામીન મળ્યાં નથી. ચૈતર વસાવાની બીજી પત્ની શકુતંલા સહિત 3 આરોપીની જામીન અરજી રાજપીપળા સેશન્સ કોર્ટમાં દાખલ કરવામા આવી હતી જેની પર આજે સુનાવણી થશે. જોકે ચૈતર વસાવાને 22 જાન્યુઆરીના રોજ જામીન મળી ચૂકયા હતા પરંતુ તેમને પત્નીની સાથે જ જેલમાંથી બહાર આવવા જણાવ્યું હતુ પરંતુ આજે તેઓ તેમને જામીન મળે તે પહેલા જ જેલમાંથી બહાર આવ્યા છે.