December 19, 2024

સુરત પોલીસનો સતર્કતાભર્યો સંદેશ, લોકોને જાગૃત કરવા શરૂ કર્યું નવું અભિયાન

અમિત રુપાપરા, સુરતઃ દિવાળીના તહેવારને લઈને માર્કેટમાં ખરીદીનો માહોલ જોવા મળે છે. તો બીજી તરફ સુરત શહેર પોલીસ દ્વારા બેંકમાંથી નાણા હેરાફેરી કરતા સમયે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, જ્વેલર્સ સંચાલકોએ કેવા પ્રકારની તકેદારીઓ રાખવી, તેમજ ચીલ ઝડપથી કેવી રીતે બચી શકાય તે પ્રકારે અલગ અલગ પોસ્ટ માધ્યમથી લોકોને જાગૃત કરવા એક અભિયાન હાથ ધર્યું છે.

સુરતના લાલગેટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પણ મોટી ખરીદી માર્કેટ, જ્વેલર્સની દુકાન, તેમજ બેંકો આવેલી છે. ત્યારે માર્કેટમાં લોકોએ ખરીદી કરતા સમયે કેવી તકેદારી રાખવી, આ ઉપરાંત બેંકોમાંથી નાણાંની હેરાફેરી કરતા સમયે કઈ બાબતની તકેદારી રાખવી કે તમામ બાબતોના સૂચનો દર્શાવતા પોસ્ટરો બેંકોના એન્ટ્રી ગેટ પર લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત બેંકોના એટીએમમાં પૈસા ઉપાડવા આવતા લોકોને પણ રોકડ લઈ જતી સમયે કઈ તકેદારી રાખવી તે બાબતની સમજ પોલીસ દ્વારા આપવામાં આવી હતી.

બીજી તરફ પોલીસ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને અપીલ કરવામાં આવી છે કે, જે કોઈ લોકો બેંકોમાંથી મોટી માત્રામાં પૈસા ઉપાડીને લઈ જતા હોય અથવા તો જ્વેલરી ખરીદવા જતા હોય તે તમામ લોકોએ તે માટે આ બાબતે પોલીસને માહિતી આપવી. જેથી પોલીસ આ મુદ્દામાલ સહીસલામત રીતે તેમના ઘર સુધી પહોંચાડવામાં મદદ કરશે.

  • નાણાની હેરફેર કરતાં સમયે પોતાની સાથે એક વ્યક્તિને રાખવો જોઈએ.
  • આ ઉપરાંત નાણાની હેરાફેરી માટે મજબૂત થેલાનો ઉપયોગ કરવો જોઈએ.
  • અજાણી વ્યક્તિને નાણાં ગણવા કે ચેક કરવા આપવા જોઈએ નહીં અને જો પૈસા નીચે પડી જાય તેવું કોઈ કહે તો તેની વાતમાં આવવું નહીં.
  • આ ઉપરાંત ગાડી ડિકીમાં પૈસા મૂક્યા બાદ કોઈપણ સ્થળે ઊભા રહેવું નહીં.
  • મોટી રકમની હેરાફેરી થાય તે સમયે ફોરવ્હિલ કારનો કાચ બંધ રાખવો જોઈએ.
  • બેંકોમાંથી પાંચ લાખથી વધુ નાણાંની હેરફેર સમયે પોલીસ રક્ષણ આપવામાં આવે છે જેથી આ બાબતે પોલીસ તેમજ બેંકના મેનેજરનો સંપર્ક કરવો.
  • બેંકમાં નાણા ભરતી વખતે કોઈ માણસ રૂમાલમાં નોટોના બંડલ લઈ આવે અને કહે મારું બેંકમાં ખાતું ન હોવાથી તમારા ખાતામાં રૂપિયા જમા કરી દો આવા વ્યક્તિની વાતમાં ન આવવું જોઈએ.