October 18, 2024

અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ, ખુલ્લેઆમ તોડફોડ કરી આતંક મચાવ્યો

મિહિર સોની, અમદાવાદ: અમદાવાદમાં અસામાજિક તત્વોએ ફરી દહેશત ફેલાવી છે. અમરાઈવાડીમાં વાહનો અને દુકાનમાં તોડફોડ કરીને આંતક મચાવ્યો. સામાન્ય બાબતની તકરારમાં હથિયારો સાથે અસામાજિક તત્વોએ વિસ્તારને બાનમાં લીધો. સમગ્ર ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. અમરાઈવાડી પોલીસે અસામાજિક તત્વો વિરુદ્ધ ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી.

અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં અસામાજિક તત્વોને પોલીસ કે કાયદાનો ડર ન રહ્યો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. અસામાજિક તત્વોએ હથિયારો સાથે બાઈક પર આવીને વાહનોમાં તોડફોડ કરીને આંતક મચાવ્યો હતો. ઘટનાની વાત કરીએ તો અમરાઇવાડીમાં આવેલી મનજીભીલની ચાલીમાં રહેતા અનિતાબેન ચૌહાણના ઘર નજીક રોડ પર રેતીની થેલી મુકવા બાબતે પાડોશમાં રહેતા દિપક રાજપૂત સાથે ઝઘડો થયો. આ ઝઘડાની અદાવત રાખી દિપક રાજપૂત, તેના મામા શૈલેન્દ્ર રાજપૂત અને ભુપેન્દ્ર રાજપૂત તેમજ તેના મિત્રોએ લાકડીઓ અને તીક્ષણ હથિયાર સાથે હુમલો કર્યો. વાહન, દુકાન અને મકાનમાં તોડફોડ કરીને આંતક મચાવ્યો હતો. આ અસામાજિક તત્વોએ સમગ્ર વિસ્તારને બાનમાં લઈને ભયનું વાતાવરણ ઉભું કર્યું હતું. અમરાઈવાડીનો આ પરિવાર આરોપીના ડરથી ઘરમાં કેદ થઈને છુપાયો હતો. પરિવારે પોલીસ મદદ નહિ કરી હોવાના પણ આક્ષેપો કર્યા.

આ પણ વાંચો: નારાયણ સાંઈને HCએ 4 કલાકના જામીન આપ્યાં, જોધપુર જેલમાં પિતા આસારામને મળશે

અમરાઈવાડી પોલીસે અસામાજિક તત્વોના આંતક મામલે દિપક રાજપૂત, શૈલેન્દ્ર રાજપૂત અને ભુપેન્દ્ર રાજપૂત વિરુદ્ધ રાયોટિંગ અને મારામારીનો ગુનો નોંધ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી દિપક ચૌહાણ બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે રેતી ભરેલી થેલીઓ વચ્ચે આવતા તેને ફેંકી દીધા હતા. જેથી અનિતાબેન ચૌહાણ ઠપકો આપ્યો હતો. જેની અદાવત રાખીને દિપક, શૈલેન્દ્ર અને ભુપેન્દ્રએ અનિતાબેન અને તેના દીકરા સાથે મારામારી કરી હતી. આ મામલે અનિતાબેન અને તેનો પરિવાર અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા પહોંચ્યા હતા જેની અદાવત રાખીને દિપક ચૌહાણ પોતાના મિત્રો સાથે તેમના ઘરે પહોંચીને આંતક મચાવ્યો હતો. આ ઘટના બાદ આરોપી દિપક ચૌહાણ અને તેનો પરિવાર હાલ ફરાર થઇ ગયા છે. જેથી પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી.

અમરાઈવાડી વિસ્તારમાં અસામાજિક તત્વોને પોલીસનો કે કાયદાનો ડર નથી રહ્યો તેમ અવાર નવાર હથિયારો સાથે આંતક મચાવી રહ્યા છે. અગાઉ પણ આવી 2 ઘટના સામે આવી હતી. જેથી પોલીસે આ અસામાજિક તત્વો પર નિયંત્રણ લાવવા કડક કાર્યવાહી હાથ ધરી છે.