મની લોન્ડરિંગ કેસમાં સત્યેન્દ્ર જૈનને મળ્યા જામીન, નહિ જઈ શકે દેશની બહાર
Satyendra Jain Gets Bail: મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનની જામીન અરજી પર શુક્રવારે રાઉઝ એવન્યુ કોર્ટે ચુકાદો આપતાં તેમને 50,000 રૂપિયાના બોન્ડ પર શરતી જામીન આપ્યા હતા. કોર્ટે તેના પર દેશ છોડવા પર પ્રતિબંધ લગાવ્યો છે. સત્યેન્દ્ર જૈનની 30 મે 2022 ના રોજ તેમની સાથે કથિત રીતે જોડાયેલી ચાર કંપનીઓ દ્વારા મની લોન્ડરિંગના આરોપમાં ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે સત્યેન્દ્ર જૈન
આ પહેલા, સુનાવણી દરમિયાન સ્પેશિયલ જજ રાકેશ સ્યાલે આરોપીઓ અને EDની અરજી પર દલીલો સાંભળ્યા બાદ ચુકાદો અનામત રાખ્યો હતો. સત્યેન્દ્ર જૈનના વકીલે કોર્ટને કહ્યું હતું કે તેને વધુ કસ્ટડીમાં રાખીને કોઈ હેતુ પૂરો થશે નહીં. EDએ અરજીનો વિરોધ કરતા કહ્યું હતું કે જો જૈનને મુક્ત કરવામાં આવે તો તે સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે. ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ 2017માં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા જૈન વિરુદ્ધ નોંધાયેલી FIRમાંથી EDનો કેસ ઊભો થયો છે.
સત્યેન્દ્ર જૈનના પત્ની પણ છે આરોપી
સત્યેન્દ્ર જૈન પર આરોપ છે કે તેણે 2009-10 અને 2010-11માં નકલી કંપનીઓ બનાવી હતી. આ કંપનીઓમાં અકિંચન ડેવલપર્સ પ્રાઈવેટ લિમિટેડ, ઈન્ડો મેટલ ઈમ્પેક્સ પ્રાઈવેટ લિમિટેડ, પ્રયાસ ઈન્ફો સોલ્યુશન્સ પ્રાઈવેટ લિમિટેડ, મંગલાયતન પ્રોજેક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડનો સમાવેશ થાય છે. આ કેસમાં ED દ્વારા સત્યેન્દ્ર જૈન ઉપરાંત તેમની પત્ની પૂનમ જૈન, અજીત પ્રસાદ જૈન, સુનીલ કુમાર જૈન, વૈભવ જૈન, અંકુશ જૈન, મેસર્સ અકિંચન ડેવલપર્સ પ્રાઈવેટ લિમિટેડ, મેસર્સ પ્રયાસ ઈન્ફો સોલ્યુશન્સ પ્રા. લિ., મંગલાયતન પ્રોજેક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ અને જેજે આઈડીયલ એસ્ટેટ પ્રાઈવેટ લિમિટેડને આરોપી બનાવવામાં આવ્યા છે. EDએ 30 મે 2022ના રોજ સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરી હતી.