October 18, 2024

અતિવૃષ્ટિથી નુકસાન વેઠનાર ખેડૂતોને તાત્કાલિક વળતર ચૂકવવા માગ

જુનાગઢ: ખેડૂત નેતા અને વિસાવદર વિધાનસભા મતવિસ્તારના પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયાએ વિસાવદર, ભેસાણ તેમજ જૂનાગઢ ગ્રામ્ય વિસ્તારમાં અતિવૃષ્ટિથી ખેડૂતોના ઊભા પાકને થયેલ નુકશાનીનું તાત્કાલિક ધોરણે વળતર ચૂકવવા રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી માંગ કરી છે.

વધુમાં પત્રમાં જણાવવામાં આવ્યું કે વિસાવદર, ભેસાણ તેમજ જુનાગઢ ગ્રામ્યમાં પાછોતરા અતિભારે વરસાદને કારણે ખેડૂતોના તૈયાર માલપાકને ભારે મોટું નુકસાન થયેલ છે, વિસાવદર પંથકમાં સો ઇંચથી વધારે વરસાદ પડેલ છે ત્યારે વિસાવદર, ભેસાણ તથા જુનાગઢ ગ્રામ્ય સહીત આ ત્રણેય તાલુકામાં પાછોતરા ભારે વરસાદથી તૈયાર મગફળીના પાથરા તણાયા તેમજ સડી ગયા છે તથા ઉભી મગફળીમાં પણ સતત વરસાદથી સડો બેસી ગયેલ છે અને સોયાબીન કઠોળ સહિતના પાકોમાં પણ સતત વરસાદથી ખૂબ મોટી નુકસાની છે.

તેમજ કપાસમાં પાછોત્રા અતિ વરસાદથી જીંડવા ખરી ગયેલ છે અને તેમાં પણ ભારે મોટી નુકસાની છે જેથી જગતના તાત ગરીબ ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે તો વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્ય પંથકના ખેડૂતો વતી રિબડીયાએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ખાસ વિનંતી કરી છે કે સરકારશ્રી ગરીબ ખેડૂતોની વ્હારે આવી અને તાત્કાલિક ધોરણે વળતર ચૂકવવામાં આવે.