October 16, 2024

વાવ વિધાનસભા પેટાચૂંટણીની માટે BJPની તૈયારી શરૂ, પ્રભારીની કરી જાહેરાત

અમદાવાદઃ ગઈકાલે ચૂંટણીપંચે બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત કરી હતી. ચૂંટણીપંચની જાહેરાત બાદ ભાજપે તૈયારીઓ ચાલુ કરી દીધી છે. ભાજપે આ બેઠક પર પ્રભારીની જાહેરાત કરી છે. ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને હાલ મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણને પ્રભારી બનાવવામાં આવ્યા છે. મહત્વનું છે કે, થોડા સમય પહેલાં ભરત આર્યને વાવ પેટાચૂંટણીની જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.

બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટાચૂંટણીની જાહેરાત થઈ છે. આ મામલે 18 ઓક્ટોબરે વાવ બેઠકનું જાહેરનામું પ્રસિદ્ધ થશે. ત્યારબાદ 25 ઓક્ટોબર સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે અને આગામી 13મી નવેમ્બરે વિધાનસભા બેઠક પર મતદાન યોજવામાં આવ્યું છે. 23મી નવેમ્બરના દિવસે મતગણતરી યોજવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ગેનીબેન ઠાકોર લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પરથી ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી સામે લડ્યા હતા અને જીત્યા હતા. તેમના સાંસદ બનવાથી વાવ વિધાનસભા બેઠક ખાલી પડી હતી. ત્યારે ચૂંટણીપંચે ત્યાં પેટાચૂંટણીની જાહેરાત કરી છે.