December 23, 2024

પાટણના અનોખા દોરી ગરબા, ખેલૈયાઓ ગરબે ઘૂમી કરે છે ગૂંથણ

ભાવેશ ભોજક, પાટણઃ આદ્યશક્તિ મા જગદંબા ભવાનીના નવલા નોરતાનો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે દિવસેને દિવસે નવલા નોરતાનો રંગ જામ્યો છે તો પાટણના ગુર્જરવાડાના દોરી ગરબા સૌથી અલગ તરી આવે છે. દોરી ગરબા રમવા એ એક કળા છે. પ્રાચીન સમયમાં જે રીતે ઢોલક, તબલા મંજીરાના તાલે દોરી ગરબા ખેલૈયાઓ રમતા હતા તે પ્રમાણે આજના યુવા ખેલૈયાઓ એ અનેરા ઉત્સાહ સાથે દોરી ગરબો રમી વડવાઓની જૂની પરંપરા જાળવવાનો પ્રયાસ કર્યો હતો.

પાટણના ગુર્જરવાડામાં રમાતા દોરી ગરબાની વિશેષતા છે કે, ખેલૈયાઓ રમતા હોય ત્યારે એની ગૂંથણી મહત્વની છે. હાથમાં દોરી પકડી અડધા ખેલૈયાઓ તાલ આપીને અંદરની તરફ રમે છે તો અડધા બહારની તરફ ગોળ ઘૂમીને ગરબે રમે છે. ત્યારે દોરીની સુંદર ગૂંથણી તૈયાર થાય છે. દોરી ગરબા રમવા આવડતભરી કળા છે, જેમાં ચાલુ ગરબે ખેલૈયાઓ બદલાતા પણ હોય છે. સંપૂર્ણ ગરબા રમાય ત્યાં સુધી દોરી છેક નીચે સુધી ગૂંથાય છે. આ ગૂંથણી છોડવા માટે પણ ગરબે રમવું પડે છે.

ખેલૈયાઓ દોરીનો હાથ બદલો કરે છે. જેથી ગરબા રમતા જાય તેમ તેમ ગૂંથણી છૂટતી જાય છે. આમ ભાતિગળ પદ્ધતિથી તાલબદ્ધ રીતે રમાતા દોરી ગરબા સાંસ્કૃતિક વારસા સમાન છે. જો કે, આ વારસો હવે અમુક જગ્યા એ જ જળવાઈ અને સચવાઈ રહ્યો છે. ગુર્જરવાડામાં રમાતા દોરી ગરબા સૌ કોઈને જોવાનું મન થાય તેવા હોય છે. દેશી ઢોલના તાલે અને સ્થાનિક ભજન મંડળી દ્વારા ગરબા ગવાય છે. એટલે કે ગ્રામ્ય વિસ્તારમાં ગવાતા અને રમતા ગરબાની ઝલક આજે પણ શહેરી વિસ્તારમાં જોવા મળી રહી છે.