December 23, 2024

સંજય રોયે જ કર્યો હતો બળાત્કાર, પછી હત્યા; કોલકાતા કેસમાં CBIએ ચાર્જશીટ દાખલ કરી

Kolkata Rape and Murder Case: સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ આજે ​​કોલકાતાની RG કાર મેડિકલ કૉલેજ અને હોસ્પિટલના ટ્રેઇની ડૉક્ટર પર બળાત્કાર અને હત્યા કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. અધિકારીઓએ માહિતી આપતા કહ્યું, CBIની ચાર્જશીટ મુજબ આ કેસના મુખ્ય આરોપી સંજય રોયે પીડિત ડોક્ટર પર બળાત્કાર કર્યો હતો અને પછી તેની હત્યા કરી હતી. કોલકાતાની વિશેષ અદાલતમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં, CBIએ જણાવ્યું હતું કે સ્થાનિક પોલીસ સાથે સ્વયંસેવક તરીકે કામ કરનાર રોયે કથિત રીતે 9 ઓગસ્ટે હોસ્પિટલના ઓડિટોરિયમમાં આ ઘટનાને અંજામ આપ્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર એજન્સીએ ચાર્જશીટમાં ગેંગ રેપના આરોપનો ઉલ્લેખ કર્યો નથી, જે દર્શાવે છે કે રોયે એકલા હાથે ગુનો કર્યો હતો.

અધિકારીઓએ જણાવ્યું હતું કે આરોપીઓએ કથિત રીતે આ ગુનો કર્યો હતો જ્યારે ડૉક્ટર રાત્રે જમ્યા બાદ હોસ્પિટલના સેમિનાર હોલમાં આરામ કરવા ગયા હતા. સીબીઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર ચાર્જશીટમાં રૉયને મુખ્ય આરોપી તરીકે 200 લોકોના નિવેદન નોંધવામાં આવ્યા છે. જો કે, આ કેસમાં અન્ય કોઈ શંકાસ્પદ સંડોવાયેલા છે કે કેમ તે અંગે હજુ તપાસ ચાલી રહી છે.