સુરતના માંડવીમાં આવેલી નરેણ આશ્રમ શાળાના આચાર્યની ધરપકડ, બાળકીને અડપલાં કરવાની ફરિયાદ
સુરતઃ જિલ્લાના માંડવીમાં શિક્ષણ જગતને શર્મશાર કરતો કિસ્સો સામે આવ્યો છે. માંડવીના નરેણ ગામે આવેલી આશ્રમ શાળામાં બનેલી ઘટનાને પગલે સમગ્ર જિલ્લામાં હડકંપ મચી ગયો છે.
મળતી માહિતી પ્રમાણે, નરેણ આશ્રમ શાળામાં નરાધમ આચાર્યનું નામ યોગેશ પટેલ છે અને તેઓ છેલ્લા 24 વર્ષથી આશ્રમ શાળા સાથે સંકળાયેલા છે. યોગેશ પટેલે આશ્રમ શાળામાં ભણતી સગીર બાળકી સાથે શારીરિક અડપલાં કર્યા હતા. ત્યારે બાળકીએ આ સમગ્ર મામલે પરિવારને જાણ કરી હતી.
ત્યારબાદ પરિવારે આ મામલે પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ નરેણ આશ્રમ શાળાએ પહોંચી હતી અને આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. પોલીસે આ મામલે ફરિયાદને આધારે આચાર્યની ધરપકડ કરી છે. પોલીસે આ મામલે આચાર્ય વિરુદ્ધ પોક્સો અને એટ્રોસિટી એક્ટ સહિતની કલમ સાથે ફરિયાદ નોંધવાની કવાયત હાથ ધરી છે.