નવ રાત્રી એટલે નવલોહિયા નું ઉમંગ, ઉત્સાહ નું આંદોલન ! અવનવા કપડા, અવનવા મેકઅપ નું પ્રદર્શન એટલે નવરાત્રી ! તાંત્રિકો નું ઉપાસના નું પર્વ એટલે નવરાત્રી ! તો ગુજરાતના ગરબા નું ગુંજન ઓછું અને ડી જે ના ઘોંઘાટ નું વરવું પ્રદૂષણ એટલે નવરાત્રી ! જુવાન લોહીની રઝળપાટ અને રઘવાટ જોઈ અમારા વડીલ આક્રોશ માં વ્યથા ઠાલવે છે કે આ નવરાત્રી છે ?કે નવરાઓની રાત્રી ?? પરમ શક્તિને ભક્તિના ભાવની અંજલિ આપતા આ પર્વની અવનતિ જોઈ થાય છે કે, થોડુંક ચિંતન કરીએ આ આદ્ય શક્તિ સ્વરૂપાનું.
ગુજ. સાહિત્યની અદભુત લોકોક્તિ છે “ “માં એટલે માં અને બીજા વગડા ના વા”” . તો ઋષિઓના ચિંતનનું એક પુષ્પ એવું તૈતરીય ઉપનિષદનું ઉમદા ઉચ્ચારણ “માતૃ દેવો ભવ” ને લઇએ , આ બન્ને સામાન્ય સૂત્ર નથી. પણ સર્જન શક્તિનું અભિવાદન છે. માતૃ ઋણનું દાયિત્વ છે. આવી માતૃભક્તિ, કે માતૃ ઋણ નું દાયિત્વ અન્ય કોઈ સંસ્કૃતિમાં નથી. માં એટલે જનતા અને નવ રાત્રી તો જગત જનની યાને જગતને જન્મ આપનારી પરમેશ્વરીની પૂજા નું પર્વ છે. . વિશ્વના કોઈ ધર્મમાં ઈશ્વરને “સ્ત્રી રૂપે જોવાય નથી, કે પૂજાય નથી. તે એક માત્ર સનાતની ભારતના ધર્મમાં જ છે . જ્યાં ઈશ્વરને સ્ત્રી રૂપે જ નહીં , પણ માતા રૂપે જોવાય છે પૂજાય છે.
વેદ પુરસ્કૃત, આપણી સંસ્કૃતિમાં રચાયેલી પૂજા પદ્ધતિમાં શક્તિ પૂજા નું વિશિષ્ટ સ્થાન છે. જેનું આપણે આપણી અર્વાચીન આંખે, આ પ્રાચીનતા નું અવલોકન કરવું જોઈએ. કારણકે સર્વ શ્રેષ્ઠ, સર્વ સર્જક અને સર્વ નિયામક શક્તિ જ અનંત બ્રહ્માંડમાં વિલસી રહી છે. આપણે પણ એના અંશ અને વંશ છીએ.
અતિ પ્રાચીન સમય થી પ્રત્યેક ધર્મે શક્તિની મહતા સ્વીકારી છે. તેમાય આપણી ઋષિ સર્જિત ચિંતન શૈલીએ, આપણા તત્વજ્ઞ, અવતારી પુરુષોએ તેને પૂજનીય સ્વરૂપ આપ્યું છે. જેની પૂજા પદ્ધતિ સમયે સમયે બદલાઈ જરૂર છે, પણ મૂર્તિ, તેના સ્વરૂપો, એના એજ રહ્યા છે.
કેટલાક સંશોધન બતાવે છે કે ઈશુ ખ્રિસ્તના પહેલાના ૯૦૦૦ વર્ષ પહેલા જે પાષણયુગના અવશેષ મળ્યા છે તે બતાવે છે કે ત્યારે પણ શક્તિપૂજા હતી.!! ઋગ્વેદ માં પણ કોસ્મિક એનર્જી તરીકે ઉલ્લેખ છે, તેવું વિદ્વાનો કહે છે. સિંધુ ખીણની સંસ્કૃતિના આર્કોલોજીક્લ પુરાવા પણ આ વાત સાબિત કરે છે.
ક્લાસિકલ હિન્દુઈઝમનો યુગ આવતા આવતા તો શાક્ત સંપ્રદાય અને શક્તિ પીઠો સ્થપાય જાય છે. શક્તિની આરાધના શરુ જાય છે. (પીઠ યાને જ્યાં જ્યાં શ્રી પરમ શક્તિ એ સ્થાન ગ્રહણ કરેલું, તે સ્થાન .કે શિવાના શરીરના અંગો પડ્યા હતા તે સ્થાન ). આ સમય થી જ શક્તિના વિવિધ સ્વરૂપના પુરાણો અને કથાઓ શરુ થઈ જાય છે . જેમાં “દેવી ભાગવત પુરાણ ,માર્કંડેય પુરાણ, મહા ભાગવત પુરાણ, કાલિકા પુરાણ, વગેરે મુખ્ય છે . આ પુરાણોમાં “ઊર્જા, બળ, બુદ્ધિપ્રદા, વિશ્વ જનની, વિદ્યા દાયિની, સંકટ હરિણી, વંશદાયિની વગેરે સ્વરૂપે શક્તિ પ્રસ્થાપિત થઈ જાય છે તથા સર્વ દેવી દેવતામાં ઓ માં શ્રેષ્ઠ રૂપ એવા , “”માતા સ્વરૂપે “ અલંકૃત થઇ જાય છે . જેણે કારણે પરમ શક્તિ રૂપે આજે પણ પૂજાવા લાગી છે . કારણકે તે સમગ્ર બ્રહ્માંડ ને જન્માવનાર તરીકે વર્ણવાય છે . એટલું જ નહીં પરંતુ શાસ્ત્ર, અને શસ્ત્ર ધારિણી, સમગ્રતા ની રક્ષણ કરનારી પોષણ આપનારી પરમ ઊર્જા સ્થાપિત થઈ છે.
ધીરે ધીરે, હિંદુ પરંપરાઓ નું પાલન કરતા સમાજે તેને પરિવારોની માતા તરીકે સ્વીકારી લીધી. તેના અનેક પરચા, અનેક વ્યક્તિ, બાલીકા સાથેના જન્મની હકીકતો, કથાઓ, લોક્ વાયકાઓ એ સમૂહની શ્રધ્ધા બની જીવંત રૂપે સમાજની માતા તરીકે , દરેક કુળમાં , દરેક સમૂહમાં , અલગ અલગ નામથી, અલગ અલગ રૂપે, “કુળદેવી “ તરીકે પૂજવા લાગી છે. દા.ત. ખોડીયાર માતા, મેલડી માતા, સીકોતર માતા, ચામુંડા માતા, ભુવનેશ્વરી વગેરે પરંતુ જેમ એક સૂર્યના અનેક કિરણો છે તેમ આ દરેક આદ્ય શક્તિ જગત અંબા યાને જગદંબાના જ રૂપ છે કે જેને નવ દુર્ગાના નવ રૂપો , કાળી, ત્રિપુરારી સુંદરી. વગેરે નામે જાણીએ છીએ. તેમાં પોષણ આપતી અન્નપૂર્ણા, બ્રહ્મ ચારીણી, કાત્યાયની, કુષ્માંડા વગેરે છે , .
એક ઘણું પ્રખ્યાત વાક્ય છે. “ જે પહેલાથી જ અસ્તિત્વ ધરાવે છે. તેને જ સર્જક તરફથી , આકાર આપવામાં આવે છે !! “ આમ પરમ વરદાયિની શક્તિ, વિવિધ રૂપે આકાર પામી છે. પરંતુ તે પ્રથમ થી અસ્તિત્વમાં હતી. શિવ સાથે શિવા પાર્વતી,
લલિત સહસ્ત્રનામાવલી માં શક્તિના ત્રણ અલગ રૂપો જ દર્શાવ્યા છે જેમકે:= ૧. જ્ઞાનશક્તિ,૨. ઈચ્છાશક્તિ અને ત્રીજું છે ક્રિયા શક્તિ. આપણા કર્તવ્ય માટે આ ત્રણ મોટીવેશનલ ફોર્સ કહેવાય છે .પહેલા શું કરવું છે તેનું જ્ઞાન,તે કામ કરવાની ઈચ્છા,અને છેલ્લે તે કામ કરવાની ક્રિયા,
કહેવાય છે આદી પુરુષ ને પ્રકાશ માં લાવનાર આ શક્તિ જ હતી !! આ તેની દિવ્ય ક્રિયા હતી. ખુદ શિવ કહે છે. “હું શક્તિ વિહીન નિષ્ક્રિય સાશ્વતતા છું. જયારે શક્તિ એ સક્રિય સાશ્વતતા છે.”
બ્રહનીલ તંત્ર પ્રમાણે “ શિવ ભગવાન કહે છે. “હું શરીર છું અને તું પરમેશ્વરી, મારામાં વ્યાપ્ત ચૈતન્યતા છો.” યાને શિવા એ શક્તિ છે જેને આપણે પાર્વતી, દુર્ગા, કહીએ છીએ.
તેથી જ તો, માર્કંડેય પુરાણમાં શક્તિને “” શુદ્ધ ચૈતન્યતા “પ્યોર કોન્સિયસનેસ” તરીકે વર્ણવી છે. તો તાંત્રિક વિદ્યામાં શક્તિને “પરમ કુંડલીની” તરીકે પૂજાય છે .જે આપણા સમગ્ર અસ્તિત્વમાં વ્યાપ્ત છે.
દેવી ભાગવતમાં શક્તિને સત, રજસ અને તમસ રૂપ ધારીણી, યાને ત્રીગુણા દર્શાવી છે. સત યાને શતરૂપા =સાત્વિક ગુણો વાળી, શાંત અને સૌમ્ય, રજસ યાને રાજેશ્વરી ઉત્કટ લાગણી વાળી ક્રિયાશીલ, અને તમસ ગુણ વાળી કાલિકા યાને સંહાર કરનારી કહી છે. જેને વૈષ્ણોદેવીના બિલકુલ ત્રણ રૂપ “”સરસ્વતી, મહાલક્ષ્મી મહાકાલી માતા “ના રૂપો જ કહેવાય. અન્ય રીતે જોતા દેવી ભાગવત કહે છે : બ્રહ્મા રાજસી શક્તિ , વિષ્ણુ પાલન કરતા ;સાત્વિક શક્તિ , તો રુદ્ર, તમસ સંહારક શક્તિ , આમ બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેયમાં રહેલ આદ્ય શક્તિ એક જ છે. “
શક્તિ સાથે કેટલાક મહત્વના પ્રતીકો જોડાયેલા છે જેવાકે:-
૧. ત્રિશુલ કે કોઈ હથીયાર : દા.ત. ત્રણ શુલ અણીઓ વાળું હથીયાર ત્રિશુલ, દા.ત. ખપ્પર કે ગદા . ત્રિશુલ શિવ તથા શિવા બન્ને સાથે છે હથિયાર ધારણનો અર્થ કે એટલે કે પરમ યુગ્મ, અસુરોના નાશ કરવા વાળા છે.
૨. કમલ := જે સર્જન અને સંવર્ધન નું પ્રતીક મનાય છે. યા તો કમલ હાથમાં હોય છે કે કમળના આસન પર પરમ શક્તિ બિરાજમાન હોય છે. સરસ્વતી અને મહાલક્ષ્મી કમલાસન પર બેઠેલ છે. ત્રિશુલ યા કમલ બન્ને એવું સૂચવે છે કે સર્જન હોય યા સંવર્ધન, આસુરી તત્વો ના સંહાર વગર સલામત રહેશે નહીં. આમેય વેદ ઉપનિષદ વગેરેમાં શક્તિનો સાદો અર્થ :શૌર્ય, તાકાત, દર્શાવાયો છે.
૩. પશુ કે પક્ષી : નવ દુર્ગા ના કોઈ પણ સ્વરૂપ લઇ લો, પરમ શક્તિ સાથે કોઈને કોઈ પશુ યા તો પક્ષી જરૂર હોય છે. અલબત મહા લક્ષ્મી સ્વરૂપની સાથે આવું કોઈ પશુ કે પક્ષી નથી. પણ કહેવાય છે કે તેમનું પ્રિય પક્ષી ઘુવડ છે. સૌથી વધુ સ્વરૂપમાં સિંહ કે વાઘ પરની સવારી હોય છે. સરસ્વતી સાહિત્ય, કળા, જ્ઞાન પ્રદાયીની છે તે માટે સૌમ્ય સાત્વિક સર્જન ના ગુણ રૂપ દર્શાવવા મોર દર્શાવ્યો છે.
ઘણીવાર પુછાય છે કે ગરબા સિવાય અન્ય કોઈ સાધનથી, સઘન પૂજા ની પદ્ધતિ છે? કે જેનાથી પરમ શક્તિની સાક્ષાત્કાર થઈ શકે? જી, હા કુંડલીની ક્રિયાની સાધના. તેમજ યોગ સાધના. જેમ મહર્ષિ અરવિંદની યોગ સાધના હતી.
તાંત્રિક સાધના પણ છે. જેમાં પણ સાત્વિક સાધના અને તાંત્રિક સાધના એમ બે ભાગ છે. તે ઉપરાંત “શ્રી યંત્ર “ના નામે ભૌમિતિક આકારનું, શક્તિનું પ્રતીક પણ છે જેની દૈનિક પૂજા થાય છે. વળી રોજ બરોજ હવન કરી આહુતિ આપવાની, જપ કરવાની પૂજા વિધિ પણ છે. જેમકે ગાયત્રી માતાની સાધના શ્રી નથ રામ શર્માએ કરી છે.
નવરાત્રી એ પરમ જનની ના નવલા રૂપ ની પૂજા અર્ચના કરી આપણી શ્રદ્ધા વ્યક્ત કરવાનો સમય છે. ઘણા વડીલો, ઉપાસકો પોતાની ધાત્રી ની,પોતાની શ્રદ્ધેય માતા શક્તિની ઉપાસના ,ઉપવાસ, મંત્ર જાપ, મૌન વ્રત વગેરે કરી, પોતાને બાળક ગણી ઋણ અદા કરે છે. જેમ કે રામકૃષ્ણ પરમહંસજી. જે એક બાળકની જેમ માં કાળીની ભક્તિ કરતા.
નવરાત્રી તે જ રીતે જેમ માતા પાસે બાળક હમેશ હસતો રમતો જતો હોય તેમ તેવા આનંદ ઉલ્લાસ નો, ભક્તિ ની અભિવ્યક્તિ કરવાનો આ સમય છે. માતા પાસે બળ, બુદ્ધિ સમ્પતિ, સામર્થ્ય માટેની અભ્યર્થના કરવાનો સમય છે . નહી કે છાકટા બની, રખડવાનો, અયોગ્ય વર્તણુંક કરી રાત ઉજાગરા કરવાનો. આખરે આ આપણી આંતરિક શક્તિ, આંતરિક ચેતના ,ક્ષમતા, જગાડવાનો, વિકસાવવાનો તહેવાર છે.
ખુબ સરસ રીતે ત્રણ શ્લોક માં આપણી શું પ્રાર્થના હોય શકે તે દર્શાવ્યું છે. :=
૧. યા દેવી સર્વ ભુતેષુ બુદ્ધીરુપેણ સંસ્થિતા,નમસ્તેસ્યેયી નમસ્તેયેયી નમો નંમ|
૨.યા દેવી સર્વ ભૂતેષુ શ્રદ્ધારૂપેણ સંસ્થિતા,નમસ્તેસ્યેયી નમસ્તેયેયી નમો નમ:|
૩ .યા દેવી સર્વ ભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તેયેયી નમસ્તેયેયી નમો નમ:|
માં અમારી બુદ્ધિ કુંઠિત છે,સત અસતનો વિવેક રહ્યો નથી બુદ્ધિ શક્તિ બની અમારામાં સ્થાપિત થાઓ. માં અમે શ્રદ્ધાવિહીન થયા છીએ, હે શ્રદ્ધાસ્વરૃપા માં , શ્રધ્ધા બની અમારા માં સ્થાપિત થાઓ. અમે શક્તિહીન છીએ અમારા માં શક્તિ રૂપે સ્થાપિત થાઓ .
શક્તિ મેળવવા, આપણા માં શ્રદ્ધા અને ભક્તિ જોઈએ. જે ત્રણેય ઈશ્વર દત્ત છે. તેથી તેની પરમ શક્તિની ઉપાસના કરવાનું પર્વ છે નવરાત્રી. જાહેરાતન કમાણી કરવા મોટા મોટા પંડાલોમાં ગરબા ના નામે થતા ફેશન શો એ શક્તિ ઉપાસના નથી. શુદ્ધ ભક્તિ, સાદગી અને સાત્વિકતા માંગે છે. તમાશા નહીં.