December 27, 2024

કઈ મિસાઈલથી ઈરાને ઈઝરાયેલ પર કર્યો હુમલો, ક્યાં કેટલું નુકસાન?

Iran Missile Attack On Israel: ઈરાને ઈઝરાયેલ પર એક પછી એક અનેક મિસાઈલથી હુમલો કર્યો. ઈઝરાયેલ પર હુમલા બાદ ઈરાને કહ્યું કે તેની મોટાભાગની મિસાઈલોએ ટાર્ગેટને હિટ કર્યા છે. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડે જણાવ્યું હતું કે ઈઝરાયેલ પર છોડવામાં આવેલી 90 ટકા મિસાઈલો સફળતાપૂર્વક તેમના લક્ષ્યાંકોને હિટ કર્યા હતા. મંગળવારે મોડી રાત્રે ઈરાનના સરકારી ટીવી પર પ્રસારિત કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હુમલામાં હવાઈ અને રડાર સાઇટ્સ તેમજ સુરક્ષા સિસ્ટમને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા, જ્યાં હમાસ અને હિઝબુલ્લાના નેતાઓની હત્યાની યોજના બનાવવામાં આવી હતી. દરમિયાન, ઇઝરાયેલી સેનાએ કહ્યું કે તેને ઇરાની મિસાઇલ હુમલામાં જાનહાનિના અહેવાલ નથી મળ્યા. હવે આવો જાણીએ કે ઈઝરાયલે આટલા મોટા હુમલાને કેવી રીતે નિષ્ફળ બનાવ્યો અને જમીની સ્તરે કેટલું નુકસાન થયું છે.

ઈરાને સંપૂર્ણ રણનીતિ સાથે કર્યો હતો હુમલો
જો જોવામાં આવે તો ઈરાને ઈઝરાયલ પર સંપૂર્ણ રણનીતિ સાથે મિસાઈલ હુમલો કર્યો હતો. ઈરાને તેલ અવીવમાં ઈઝરાયેલના ત્રણ સૈન્ય મથકો અને જાસૂસી સંસ્થા મોસાદના હેડક્વાર્ટરને નિશાન બનાવીને મિસાઈલ છોડી હતી. ઈરાને ઈઝરાયલના નેવાટિમ, હેટઝરિમ અને ટેલ નોફ સૈન્ય મથકો પર મિસાઈલ છોડી હતી. ઉલ્લેખનીય છે કે ટેલ નોફ અને નેવાટિમ ઇઝરાયેલ આર્મીના સૌથી અદ્યતન સૈન્ય મથકો છે. તેલ અવીવ, જેરુસલેમ અને અન્ય શહેરોને પણ ઈરાની મિસાઈલો દ્વારા નિશાન બનાવવામાં આવ્યા હતા.

ઈરાને કઈ મિસાઈલનો કર્યો હતો ઉપયોગ?
ઈરાનના હુમલા બાદ ઈઝરાયેલના મધ્ય અને દક્ષિણ ભાગોમાં થોડું-ઘણું નુકસાન જોવા મળી રહ્યું છે. સેટેલાઇટ તસવીરો દર્શાવે છે કે કેટલીક મિસાઇલો નેવાટિમ બેઝ પર પડી હતી. આ હુમલામાં ઈરાને પ્રથમ વખત ફતહ મિસાઈલનો ઉપયોગ કર્યો હતો. ઈરાનના આ હુમલામાં ઈઝરાયેલનો એક સૈનિક ઘાયલ થયો છે. ઘાયલ સૈનિકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

ઈરાને કરી દીધી છે મોટી ભૂલ: નેતન્યાહુ
ઈરાનના હુમલા બાદ ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ કહ્યું છે કે ઈરાને મિસાઈલ એટેક કરીને મોટી ભૂલ કરી દીધી છે. જેરુસલેમમાં સુરક્ષા કેબિનેટની બેઠક દરમિયાન તેમણે કહ્યું કે ઈરાને તેની કિંમત ચૂકવવી પડશે. નેતન્યાહુએ કહ્યું કે ઈઝરાયેલ પરનો હુમલો ‘નિષ્ફળ’ રહ્યો. નેતન્યાહુએ એમ પણ કહ્યું કે ઇઝરાયેલની મિસાઇલ એર ડિફેન્સ સિસ્ટમ વિશ્વમાં સૌથી અદ્યતન છે, જેના કારણે ઇરાની હુમલાને નિષ્ફળ બનાવવામાં આવ્યો છે.

આયર્ન ડોમ છે ઇઝરાયેલની એર ડિફેન્સ સિસ્ટમ
ઈઝરાયેલે આયર્ન ડોમ એર ડિફેન્સ સિસ્ટમ વિકસાવી છે. ઈઝરાયેલ 2011થી તેનો ઉપયોગ કરી રહ્યું છે. ઇઝરાયેલી સેના અને સરકાર દાવો કરે છે કે આયર્ન ડોમ વિશ્વની સૌથી વિકસિત એર ડિફેન્સ સિસ્ટમ છે અને તેનો સફળતા દર 90 ટકાથી વધુ છે. આ સિસ્ટમના ત્રણ ભાગો છે. પહેલું રડાર, બીજું લોન્ચર અને ત્રીજું કમાન્ડ પોસ્ટ.