November 24, 2024

કુંભ મેળા માટે ભારતીય રેલવેની ખાસ તૈયારીઓ, 992 સ્પેશિયલ ટ્રેનો દોડાવશે

Kumbh Mela Train: રેલ્વે મંત્રાલય કુંભ મેળા માટે મોટા વ્યાપક વ્યવસ્થા કરવા પર કામ કરી રહ્યું છે અને જાન્યુઆરીમાં પ્રયાગરાજમાં યોજાનાર વિશાળ ધાર્મિક મેળાવડા માટે 992 વિશેષ ટ્રેનો ચલાવવામાં આવશે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સાત પોસ્ટ કરી અને જણાવ્યું કે કુંભ મેળા માટે રેલવે મંત્રાલયે શું તૈયારીઓ કરી છે. તેણે લખ્યું “કુંભ મેળો – વિશ્વનો સૌથી મોટો ધાર્મિક મેળાવડો! ભારતીય રેલ્વે કુંભ મેળા 2025 માટે રેકોર્ડ ટ્રેનો, ભક્તો માટે અપગ્રેડેડ ટ્રેક અને વધુ સારી સુવિધાઓ આપવા માટે તૈયાર!.

આ પછી સાત પોસ્ટમાં રેલવે મંત્રીએ સૌથી પહેલા મહત્વની તારીખો જણાવી. વધુમાં તેમણે જણાવ્યું કે પ્રયાગરાજ ક્ષેત્રમાંથી દરરોજ 140 ટ્રેનો દોડાવવામાં આવશે. વિશેષ ટ્રેનો માટે 174 રેકનું આયોજન કરવામાં આવ્યું છે. મેમુ અથવા ડેમુ ટ્રેનમાં 16 કોચ હોય છે અને લાંબા અંતરની ટ્રેનોમાં 20 કોચ હોય છે. વિશેષ ટ્રેનોની સંખ્યા 2019માં 695થી વધારીને 2025માં 992 કરવામાં આવી છે. 2019માં સામાન્ય ટ્રેનોની સંખ્યા 5000 હતી જે 2025માં 6580 થઈ જશે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, રેલવેએ અનેક રૂટ પર બીજી લાઇન કરવાનું કામ પણ પૂર્ણ કર્યું છે અને મુસાફરોની સુવિધા માટે કરોડો રૂપિયા ખર્ચીને કામ કરવામાં આવ્યું છે.

પાયાની સુવિધાઓ માટે 933 કરોડનું બજેટ
રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, વિશેષ ટ્રેનો ચલાવવા ઉપરાંત, મંત્રાલયે મુસાફરો માટે વિવિધ માળખાકીય સુવિધાઓના નિર્માણ અને અપગ્રેડેશન માટે રૂ. 933 કરોડ ફાળવ્યા છે. આ ઉપરાંત પ્રયાગરાજ ડિવિઝન અને આસપાસના વિસ્તારોમાં ટ્રેનોની સરળ અવરજવર માટે રૂ. 3,700 કરોડના ખર્ચે રેલ્વે ટ્રેકને ડબલ કરવાનું કામ ઝડપથી કરવામાં આવી રહ્યું છે.

સતત વીડિયો કોન્ફરન્સ કરે છે મંત્રી
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને રેલ્વે રાજ્યના બે મંત્રીઓ રવનીત સિંહ બિટ્ટુ અને વી સોમન્નાએ 12 જાન્યુઆરીથી શરૂ થનારી ઈવેન્ટ દરમિયાન ભક્તોની વિશાળ ભીડને સંભાળવા માટેની વ્યવસ્થાઓની સમીક્ષા કરવા શનિવારે બેઠક યોજી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે, “તેઓ ઉત્તર રેલવે, ઉત્તર મધ્ય રેલવે અને ઉત્તર પૂર્વ રેલવે જેવા સંબંધિત ઝોનના જનરલ મેનેજર સહિત વરિષ્ઠ રેલ્વે અધિકારીઓ સાથે નિયમિત વિડિયો કોન્ફરન્સ પણ કરે છે.”

કુંભમાં 30 થી 50 કરોડ ભક્તો આવવાની આશા છે
અધિકારીના જણાવ્યા અનુસાર, પ્રયાગરાજ, વારાણસી, દીન દયાલ ઉપાધ્યાય અને લખનૌ જેવા સંબંધિત રેલ્વે વિભાગોના વિભાગીય પ્રબંધકો પણ વિવિધ વિકાસ કાર્યો પર નિયમિત અપડેટ્સ પ્રદાન કરવા માટે આ બેઠકોમાં ભાગ લે છે. આ કાર્યક્રમમાં 30 થી 50 કરોડ ભક્તોની હાજરીની અપેક્ષા છે, તેથી રેલ્વે મંત્રાલયે પ્રયાગરાજ માટે વિવિધ શહેરોમાંથી 6,580 નિયમિત ટ્રેનો ઉપરાંત 992 વિશેષ ટ્રેનો ચલાવવાની યોજના બનાવી છે.