December 26, 2024

Nepal Flood and landslides: 6 ફૂટબોલ ખેલાડીઓ સહિત 122ના મોત, 64 લાપતા

Nepal Flood and landslides: રવિવારે નેપાળમાં વરસાદના કારણે આવેલા પૂર અને ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને 122 થયો હતો. નેપાળ પોલીસના જણાવ્યા અનુસાર, પૂર્વી અને મધ્ય નેપાળના મોટા ભાગ શુક્રવારથી ડૂબી ગયા છે. દેશના ઘણા ભાગોમાં અચાનક પૂર આવ્યું છે.

કાઠમંડુમાં 48 લોકોએ જીવ ગુમાવ્યા
સશસ્ત્ર પોલીસ દળના સૂત્રોના જણાવ્યા અનુસાર પૂર અને ભૂસ્ખલનના કારણે 64 લોકો ગુમ છે. જ્યારે 45 લોકો ઘાયલ થયા છે. કાઠમંડુ ખીણમાં સૌથી વધુ 48 લોકોના મોત થયા છે. ઓછામાં ઓછા 195 મકાનો અને આઠ પુલોને નુકસાન થયું છે. સુરક્ષાકર્મીઓએ લગભગ 3,100 લોકોને બચાવ્યા છે.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, તેઓએ છેલ્લા 40-45 વર્ષોમાં કાઠમંડુ ખીણમાં આટલું વિનાશક પૂર જોયું નથી. સશસ્ત્ર પોલીસ દળે જણાવ્યું હતું કે મૃતકોની સંખ્યા વધીને 122 થઈ ગઈ છે. કાઠમંડુ નજીકના ધાડિંગ જિલ્લામાં શનિવારે એક બસ ભૂસ્ખલનથી અથડાતાં ઓછામાં ઓછા 19 લોકોના મોત થયા હતા. ભક્તપુર શહેરમાં ભૂસ્ખલનથી એક મકાન ધરાશાયી થતાં પાંચ લોકોનાં મોત થયાં છે.

ભૂસ્ખલનમાં 6 ફૂટબોલ ખેલાડીઓએ જીવ ગુમાવ્યા
મકવાનપુરમાં ‘ઓલ ઈન્ડિયા નેપાળ એસોસિએશન’ દ્વારા સંચાલિત તાલીમ કેન્દ્રમાં ભૂસ્ખલનમાં છ ફૂટબોલ ખેલાડીઓએ જીવ ગુમાવ્યા અને અન્ય લોકો પૂરના પાણીમાં તણાઇ ગયા. મંગળવાર સુધી વરસાદ ચાલુ રહેવાની આગાહી છતાં રવિવારે થોડી રાહત જોવા મળી હતી.

ખતરાના નિશાન ઉપરથી પાણી નદીનું પાણી વહી રહ્યું છે
ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઇન્ટીગ્રેટેડ માઉન્ટેન ડેવલપમેન્ટ (ICIMOD)ના આબોહવા અને પર્યાવરણ નિષ્ણાત અરુણ ભક્ત શ્રેષ્ઠે જણાવ્યું હતું કે, ‘મેં આ પહેલા કાઠમંડુમાં આટલા મોટા પાયા પર પૂર આવતું ક્યારેય જોયું નથી.’ શનિવારે ICMOD દ્વારા પ્રકાશિત કરાયેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે કાઠમંડુની મુખ્ય નદી બાગમતી, શુક્રવાર અને શનિવારે પૂર્વી અને મધ્ય નેપાળમાં મુશળધાર વરસાદ પડ્યા બાદ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે.

હવામાનમાં ફેરફાર
અહેવાલમાં જણાવાયું છે કે બંગાળની ખાડીમાં નીચા દબાણની સ્થિતિ અને ચોમાસાની સ્થિતિને કારણે શનિવારે અસાધારણ રીતે વધારે વરસાદ થયો હતો. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે હવામાન પરિવર્તનને કારણે સમગ્ર એશિયામાં વરસાદનું પ્રમાણ અને સમય બદલાઈ રહ્યો છે.

જીવન થંભી ગયું
પૂર અને ભૂસ્ખલનને કારણે નેપાળના ઘણા ભાગોમાં જનજીવન થંભી ગયું છે. ઘણા હાઇવે અને રસ્તાઓ બંધ છે. સેંકડો મકાનો અને પુલો ધોવાઈ ગયા છે અને સેંકડો પરિવારો વિસ્થાપિત થયા છે. માર્ગ બંધ થવાને કારણે હજારો મુસાફરો વિવિધ સ્થળોએ અટવાયા છે.