December 26, 2024

સ્ટેજ પર ભાષણ આપતા સમયે ખડગેની તબિયત બગડી, કહ્યું- હું આટલી જલ્દી મરવાનો નથી

Congress President Mallikarjun Kharge Health: જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર કરવા પહોંચેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે મંચ પરથી જનસભાને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે તેમની તબિયત અચાનક બગડી હતી. ત્યારબાદ તેમની તબિયતમાં થોડો સુધારો થતાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું કે, “અમે રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવા માટે લડીશું. હું 83 વર્ષનો છું અને હું આટલી જલ્દી મરવાનો નથી. જ્યાં સુધી પીએમ મોદીને સત્તા પરથી હટાવવામાં નહીં આવે ત્યાં સુધી હું જીવતો રહીશ.

PM ખોટા આંસુ વહાવી રહ્યા છેઃ મલ્લિકાર્જુન ખડગે
કોંગ્રેસ અધ્યક્ષ જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લાના જસરોટામાં ભાષણ આપી રહ્યા હતા. મોદી સરકાર પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, પીએમ મોદીએ છેલ્લા 10 વર્ષમાં ભારતના યુવાનોને કંઈ આપ્યું નથી. શું તમે એવી વ્યક્તિ પર વિશ્વાસ કરશો જે 10 વર્ષમાં તમારી સમૃદ્ધિ પાછી ન લાવી શકે? જો ભાજપનો કોઈ નેતા તમારી સામે આવે તો તેને પૂછો કે તે સમૃદ્ધિ લાવ્યા કે નહીં.

ભાજપ અને પીએમ મોદી પર નિશાન સાધતા ખડગેએ કહ્યું કે વડાપ્રધાન અહીં આવીને યુવાનોના ભવિષ્ય માટે ખોટા આંસુ વહાવી રહ્યા છે. સત્ય એ છે કે આ લોકોએ છેલ્લા 10 વર્ષમાં સમગ્ર દેશના યુવાનોને અંધકારમાં ધકેલી દીધા છે. આ માટે ખુદ પીએમ મોદી જવાબદાર છે.