December 23, 2024

કર્ણાટકના CM સિદ્ધારમૈયા સામે FIR દાખલ, લોકાયુક્ત પોલીસ પૂછપરછ માટે બોલાવી શકે છે

Karnataka CM Siddharamiah: મૈસુર લોકાયુક્તે કર્ણાટકના મુખ્યમંત્રી એમ. સિદ્ધારમૈયા વિરુદ્ધ FIR નોંધી છે. મૈસુર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા પ્લોટની ફાળવણીમાં ગોટાળાના આરોપમાં તેમની સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. લોકાયુક્તને અદાલતે સિદ્ધારમૈયા સામે કેસ નોંધવાનો આદેશ આપ્યો હતો. આ પછી જ આ કાર્યવાહી કરવામાં આવી છે. આ એફઆઈઆર મૈસુર લોકાયુક્ત એસપી ઉદેશના નેતૃત્વમાં નોંધવામાં આવી છે. આ માટેનો આદેશ લોકાયુક્ત એડીજીપી મનીષ ખરબીકરે આપ્યો હતો.

કોર્ટે સીઆરપીસીની કલમ 156(3) હેઠળ સિદ્ધારમૈયા સામે કેસ દાખલ કર્યો છે. આ સિવાય સિદ્ધારમૈયા વિરુદ્ધ IPCની કલમ 120B, 166, 403, 420, 426, 465, 468, 340, 351 હેઠળ પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે. હવે આ કેસની તપાસ લોકાયુક્ત પોલીસ કરશે. એફઆઈઆરના આધારે સિદ્ધારમૈયાને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે. નોંધનીય છે કે, લોકાયુક્ત પાસે ધરપકડ કરવાની સત્તા પણ છે. આવી સ્થિતિમાં સિદ્ધારમૈયાની ધરપકડ થવાની સંભાવના છે. જો કે, તે પહેલા પણ, તેમના કાયદાકીય નિષ્ણાતોની સલાહ પર, સિદ્ધારમૈયા આગોતરા જામીન માટે અરજી કરી શકે છે.

ફરિયાદી RTI કાર્યકર્તા સ્નેહમોયી કૃષ્ણાની ફરિયાદ પર કોર્ટે સીએમ સિદ્ધારમૈયા વિરુદ્ધ FIR નોંધવાનો નિર્દેશ આપ્યો હતો. તમને જણાવી દઈએ કે આ મામલાને કારણે સિદ્ધારમૈયા મુશ્કેલીમાં હોય તેમ લાગી રહ્યું છે અને તેમના પર પદ છોડવાનું દબાણ છે. જોકે સિદ્ધારમૈયા સતત આ વાતને નકારી રહ્યા છે. તેમણે ગુરુવારે એમ પણ કહ્યું હતું કે તેઓ પદ પરથી રાજીનામું નહીં આપે કારણ કે તેમના પર લગાવવામાં આવેલા આરોપો ખોટા છે અને વિપક્ષનું કાવતરું છે.

એટલું જ નહીં પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ તેમનો બચાવ કર્યો છે. તેમણે કહ્યું હતું કે આ મામલે કાયદો પોતાનો માર્ગ અપનાવશે. તેમણે કહ્યું કે MUDAના લોકો ગમે તે પગલા લેવા માટે સ્વતંત્ર છે. જરૂરી નથી કે સરકાર તેના તમામ પ્રશ્નોના જવાબ આપે, કારણ કે એક સ્વાયત્ત સંસ્થા હોવાના કારણે તે પગલાં લઈ શકે છે.