“ભ્રષ્ટ લોકોને રાહુલ ગાંધીનું પ્રોત્સાહન”, MUDA કૌભાંડમાં ભાજપના આક્ષેપ
Karnataka MUDA Scam: કર્ણાટકમાં MUDA કૌભાંડ મામલે CBI તપાસ માટે સહમતી પાછી ખેંચવાને લઈને રાજકારણ શરૂ થઈ ગયું છે. આ મુદ્દે ભાજપ કોંગ્રેસ પર સતત પ્રહારો કરી રહ્યું છે. ભાજપે કહ્યું કે કોંગ્રેસ ભ્રષ્ટાચારની દુકાન બની ગઈ છે. ભાજપે કહ્યું કે કર્ણાટકના મુખ્યમંત્રી ભ્રષ્ટ વ્યક્તિ છે, જે પોતાને બચાવવાનો પ્રયાસો કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કર્ણાટકની કોંગ્રેસ સરકારે ગુરુવારે રાજ્યમાં તપાસ માટે CBIને આપવામાં આવેલ સહમતી પાછી ખેંચી લીધી હતી.
‘ભ્રષ્ટાચારની દુકાન બની ગઈ છે કોંગ્રેસ’
ભાજપના પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ સોશિયલ મીડિયા પર શેર કરેલી એક પોસ્ટમાં લખ્યું છે કે ‘એ સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ ગયું છે કે કોંગ્રેસ ભ્રષ્ટાચારની દુકાન બની ગઈ છે. MUDA કૌભાંડમાં હાઈકોર્ટનો આદેશ આવ્યો છે અને મુખ્યમંત્રી પર આક્ષેપો થયા છે. સ્પેશિયલ કોર્ટે FIR દાખલ કરવાનો આદેશ આપ્યો છે, પરંતુ સીએમ સિદ્ધારમૈયા રાજીનામું આપવાને બદલે અભિમાન બતાવી રહ્યા છે. હવે કોઈપણ કેસની તપાસ માટે જરૂરી રાજ્યની સહમતી પાછી ખેંચી લેવામાં આવી છે. આ પુરાવો છે કે તેઓ કેવી રીતે પોતાની જાતને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ભાજપના પ્રવક્તાએ કહ્યું, ‘તપાસના ફંદામાં ફસાયેલા સીએમની આ પોતાને બચાવવા માટેની છેલ્લી ચાલાકી છે, પરંતુ જેણે ભ્રષ્ટાચાર કર્યો છે તેણે તેની કિંમત ચૂકવવી પડશે. રાહુલ ગાંધીએ જવાબ આપવો જોઈએ કે તેઓ શું પગલાં લેવાના છે. કોંગ્રેસ જ્યાં પણ સત્તામાં આવે છે ત્યાં લૂંટ ચલાવે છે. જો કોઈ રીતે હરિયાણામાં સત્તા પર આવશે તો ત્યાં પણ લૂંટ કરીશું. લૂંટફાટ એ કોંગ્રેસનું ચરિત્ર છે.
ભ્રષ્ટાચારીઓને પ્રોત્સાહન આપે છે રાહુલ ગાંધી
ભાજપના પ્રવક્તા પ્રદીપ ભંડારીએ કહ્યું કે ‘કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાએ સ્વીકાર્યું છે કે MUDA કૌભાંડમાં પ્રથમ નજરે ભ્રષ્ટાચાર થયો છે. તેમણે એમ પણ સ્વીકાર્યું છે કે તેઓ દોષિત છે. તેથી જ તેમણે CBIને આપેલી સામાન્ય સહમતી રદ્દ કરી દેવામાં આવી છે. કર્ણાટક હાઈકોર્ટે સ્વીકાર્યું છે કે મુખ્યમંત્રી MUDA કૌભાંડમાં પોતાના પરિવારને રૂ. 55 કરોડનો અયોગ્ય લાભ અપાવવામાં સામેલ હતા. કર્ણાટકના સીએમ ભ્રષ્ટ વ્યક્તિ છે. પોતાના ભ્રષ્ટાચારને બચાવવા માટે, તેઓ સુનિશ્ચિત કરવા માંગે છે કે કોઈ સ્વતંત્ર એજન્સી આ મામલે તપાસ ન કરે. સમસ્યાનું મૂળ રાહુલ ગાંધી છે કારણ કે તેઓ કોંગ્રેસમાં એવા લોકોને પ્રોત્સાહન આપે છે જેઓ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે. રાહુલ ગાંધીની કોંગ્રેસ ભ્રષ્ટાચારની બાદશાહ છે.’