December 27, 2024

વિદ્યાર્થિનીને માર મારવાના કિસ્સામાં બોરસદ કોર્ટે શિક્ષકને ફટકારી સજા

બોરસદ: છેલ્લા કેટલાય સમયથી એક મુદ્દો ખાસ્સો ચર્ચામાં આવ્યો છે જેમાં શાળામાં બાળકોને માર મારવાને લઈને અનેક તર્કવિતર્ક ચાલી રહ્યા છે ત્યારે આજે રાજ્યમાં વિદ્યાર્થીને મારમારવા બદલ શિક્ષકને સજા ફટકારવાનો પ્રથમ ચુકાદો સામે આવ્યો છે. જેમાં બોરસદ કોર્ટ દ્વારા મહતનો ચુકાદો સંભળાવીને એક શિક્ષકને સજા ફટકારતાં એક વર્ષની સજા ફટકારવામાં આવી છે.

વાત છે બોરસદની જ્યાં એક શિક્ષિકા દ્વારા એક વિદ્યાર્થીને માર મારવાને લઈને બોરસદ કોર્ટમાં અરજી કરવામાં કારવામાં આવી હતી. જેને લઈને બોરસદ કોર્ટે મહત્વનો ચુકાદો આપતા વિદ્યાર્થીનીને મારમારવાના કેસમાં શિક્ષિકાને સજા ફટકારી છે. બોરસદ કોર્ટના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા આ ચુકાદો આપવામાં આવ્યો છે. બોરસદમાં વિદ્યાર્થીનીને મારમારવાના કેસમાં કોર્ટ દ્વારા શિક્ષિકાને એક વર્ષની સજા અને એક લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

ઘટના એવી છે કે, બોરસદની ઈશ્વર કૃપા પ્રાથમિક શાળામાં માર્ચ 2024માં એક ઘટના બની હતી. જેમાં, ધોરણ 5માં અભ્યાસ કરતી વૈષ્ણવી નામની વિદ્યાર્થીનીને શાળાની શિક્ષિકા દ્વારા માર મારવામાં આવ્યો હતો. જેને લઈને શિક્ષિકા સંગીતા પઢીયાર વિરુદ્ધ બોરસદ પોલીસમાં ગુનો નોંધાયો હતો. આ મામલે બોરસદ કોર્ટમાં આ કેસને લઈને સુનાવણી કરવામાં આવી હતી. સુનાવણી બાદ બોરસદ કોર્ટ દ્વારા શિક્ષિકાને એક વર્ષની સજા ફટકારવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કોઈ શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર મારવાના કિસ્સામાં સજા ફટકારવાનો આ કદાચ પહેલો કિસ્સો છે.