November 24, 2024

નવીન જામનગર તાલુકા પંચાયત કચેરીનું મુળુભાઈ બેરાના હસ્તે લોકાપર્ણ

જામનગર: સરકારના પંચાયત વિભાગ દ્વારા જામનગરના પત્રકાર કોલોની વિસ્તારમાં તાલુકા પંચાયત ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું લોકાર્પણ જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં કેબિનેટમંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, તાલુકાનું મિની સચિવાલય ગણાતા જામનગર તાલુકા પંચાયતનું બિલ્ડિંગ સુવિધા સજ્જ હોવાથી વહીવટી નિર્ણયો લેવામાં તેમજ અન્ય કામગીરી કરવામાં તંત્રને સાનુકૂળતા રહેશે. તેમજ વરસાદમાં પાણી ભરાવાની સમસ્યાનો પણ અંત આવશે. સાથે કચેરીના સ્ટાફ અને અરજદારોના વાહનો માટે પણ વિશાળ પાર્કિંગની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.

મંત્રીએ તાલુકા પંચાયતના આંગણમાં વધુ વૃક્ષોનું વાવેતર કરી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના એક પેડ માં કે નામ અભિયાનમાં સહભાગી થવા તેમજ ભવનમાં સ્વચ્છતા જાળવવા માટે તંત્રને સૂચન કર્યું હતું. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે જામનગર જિલ્લા પંચાયતના બિલ્ડિંગનું પણ આગામી સમયમાં નવનિર્માણ કરવાના પ્રયાસો ચાલુ છે. ભવિષ્યમાં જિલ્લા પંચાયતના બિલ્ડિંગનું નિર્માણ થવાથી હજારો લોકોને તેમજ તંત્રને કામગીરી કરવામાં સરળતા રહેશે.

જામનગર તાલુકા પંચાયત ભવનની વિશેષતાઓ
નવું બિલ્ડીંગ કુલ રૂપિયા 3 કરોડ, 13 લાખ, 48 હજાર, 415 રૂપિયાના ખર્ચે તૈયાર થયું છે.ગ્રાઉન્ડ ફ્લોરમાં નીચેના ભાગે તમામ પદાધિકારીઓ તથા અધિકારીઓ માટે કાર્યાલયો આવેલા છે તેમજ વિવિધ શાખાઓ માટેના રૂમો આવેલા છે તેવી જ રીતે ઉપરના માળે મોટો સભાખંડ આવેલ છે અને અન્ય વિવિધ શાખાઓ માટેના રૂમો આવેલા છે. હાલની પરિસ્થિતિ મુજબ વિશાળ સુવિધાઓ અને આધુનિક સગવડતાવાળું તાલુકા પંચાયત કચેરી જામનગરનું બિલ્ડીંગ તૈયાર કરવામાં આવેલ છે.

આ અગાઉ જે જુનું બિલ્ડીંગ હતું તે બિલ્ડીંગ જે તે વખતની જરૂરીયાત મુજબ બનાવેલું હતું પરંતુ થોડુંક નીચું હોવાથી ચોમાસામાં તાલુકા પંચાયત બિલ્ડીંગમાં પાણી ભરાય જતા હતા અને મુશ્કેલી પડતી હતી. હવે આ નવું બિલ્ડિંગ ઘણું ઉચું બનાવવામાં હોય કચેરીમાં વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન રહેશે નહીં. સાથે સાથે કચેરીના સ્ટાફ તથા અરજદારઓના વાહનો માટે પણ વિશાળ પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.