December 26, 2024

બાળકોને લગતી અશ્લીલ સામગ્રી જોવી કે રાખવી દંડનીય અપરાધ: સુપ્રીમ કોર્ટનો ચુકાદો

Supreme Court Verdict: સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ચાઈલ્ડ પોર્નોગ્રાફી સંબંધિત સામગ્રી ડાઉનલોડ કરવી અને રાખવી એ દંડનીય ગુનો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જો કોઈ વ્યક્તિ આવી સામગ્રીને ડિલીટ ન કરે અથવા પોલીસને તેની માહિતી ન આપે તો POCSO એક્ટની કલમ 15 હેઠળ તે ગુનેગાર માનવામાં આવે છે.

સુપ્રીમ કોર્ટે આ મામલે મદ્રાસ હાઈકોર્ટનો ચુકાદો પલટી દીધો. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે કાયદેસર રીતે આવી સામગ્રી રાખવી એ પણ ગુનો છે. હાઈકોર્ટે એક વ્યક્તિ વિરુદ્ધ નોંધાયેલ કેસને એમ કહીને રદ કર્યો હતો કે તેણે માત્ર ચાઈલ્ડ પોર્નોગ્રાફી ડાઉનલોડ કરી હતી અને તેને પોતાની પાસે રાખી હતી. તેણે અન્ય કોઇની સાથે શેર નહોતી કરી.

POCSO એક્ટમાં ફેરફાર કરવા આપી સલાહ
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને બાળ પોર્નોગ્રાફી શબ્દની જગ્યાએ ચાઈલ્ડ સેક્સ્યુઅલી એબ્યુઝિવ એન્ડ એક્સપ્લોઈટિવ મટિરિયલ (CSAEM) સાથે POCSO એક્ટમાં ફેરફાર કરવાની સલાહ આપી છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી ખંડપીઠના મેમ્બર જસ્ટિસ જેબી પારડીવાલાએ 200 પાનાનો આ નિર્ણય લખ્યો છે.

તેમણે કહ્યું કે જ્યાં સુધી POCSO એક્ટમાં ફેરફારને સંસદ દ્વારા મંજૂરી ન મળે ત્યાં સુધી વટહુકમ લાવવો જોઈએ. સુપ્રીમ કોર્ટે દેશભરની અદાલતોને તેમના આદેશોમાં CSAEM લખવાની સલાહ પણ આપી છે.

‘પોક્સો એક્ટની પેટા કલમ 1 પોતે જ પર્યાપ્ત છે’
POCSO (પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ) અધિનિયમની કલમ 15ની પેટાકલમ 1 બાળ અશ્લીલ સામગ્રી રાખવાને અપરાધ ગણાવે છે. આ માટે 5,000 રૂપિયાના દંડથી લઈને 3 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. કલમ 15ની પેટા-કલમ 2 માં આવી સામગ્રીના પ્રસારણ અને પેટા-કલમ 3 માં આવી સામગ્રીના વ્યાપારિક ઉપયોગને અપરાધ ગણવામાં આવ્યો છે. મદ્રાસ હાઇકોર્ટે પેટા-કલમ 2 અને 3ને આધાર બનાવીને આરોપીને રાહત આપી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે પેટા-કલમ 1 પોતે જ પર્યાપ્ત છે.