સુરતમાં 90 વર્ષના વૃદ્ધને ડિજિટલ અરેસ્ટ કરી રૂ. 1.15 કરોડ પડાવ્યા, ફરાર મુખ્ય આરોપી ઝડપાયો

અમિત રૂપાપરા, સુરત: 90 વર્ષના સિનિયર સિટીઝનને ડિજિટલ અરેસ્ટ કરી બળજબરીથી 1,15,50,000 રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લેવા બાબતેનો ગુનો સુરત સાયબર ક્રાઇમ નોંધાયો હતો અને આ બાબતે કંબોડિયા ખાતે રહેતા નાસતા ફરતા મુખ્ય આરોપીને ઝડપી પાડવામાં સુરત સાયબર સેલને મોટી સફળતા મળી છે.
સુરતમાં 90 વર્ષના સિનિયર સિટીઝનને 15 દિવસ સુધી મુંબઈ પોલીસ, CBI અને ઇડીના અધિકારી તરીકેની ઓળખ આપી સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા તથા એડિના લોગોવાળા બોગસ લેટર મોકલી આ સિનિયર સિટીઝનને ડિજિટલ એરેસ્ટ કરી તેમની પાસેથી 1,15,50,000 રૂપિયા અલગ અલગ બેંક એકાઉન્ટમાં ઓનલાઈન રીતે ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા અને આ બાબતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. આ ગુનો દાખલ થયા બાદ સુરત સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવીને અગાઉ પાંચ આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા.
આ પાંચ આરોપીમાં રમેશકુમાર કાતરીયા, ઉમેશ જીંજાળા, નરેશકુમાર સુરાણી, રાજેશ દિહોરા અને ગૌરાંગ રાખોલિયાનો સમાવેશ થાય છે. 27 નવેમ્બર 2024ના રોજ સુરત સાયબર ક્રાઇમ દ્વારા આ પાંચે આરોપીને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી 9 મોબાઈલ, 46 અલગ અલગ બેંકના ડેબિટ કાર્ડ, 23 ચેકબુક, 28 સીમકાર્ડ તેમજ 9,50,000 રોકડા એક કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
આ પાંચે આરોપીની રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરતા સાયબર ક્રાઇમ પોલીસને જાણવા મળ્યું હતું કે, મુખ્ય આરોપી પાર્થ ગોપાણી છે અને આ પાર્થ સુરતમાં સિંગણપુર વિસ્તારમાં આવેલ જલ દર્શન એપાર્ટમેન્ટનો રહેવાસી છે. પોલીસ દ્વારા આ બાબતે તપાસ કરતા પાર્થ કંબોડિયા ખાતે હોવાનું સામે આવ્યું હતું. આરોપી 14 મે 2025ના રોજ નેપાળની બોર્ડર ક્રોસ કરી ભારત આવ્યો હોવાની બાતની મળતા જ સુરત સાયબર ક્રાઇમ પોલીસે ચૌધરી ચરણસિંઘ ઇન્ટરનેશનલ એરપોર્ટ લખનઉ ખાતેથી આરોપી બેંકોક જતો હતો તે સમયે તેની ધરપકડ કરવામાં આવી.
આરોપી સંજય ગોપાણીની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે, તે દુબઈ કંબોડિયા તેમજ નેપાળ ખાતે રહી અલગ અલગ ચાઈનીઝ ગેંગ સાથે મળી સાયબર ક્રાઇમના ગુના આચરી સાયબર ક્રાઇમફોડના રૂપિયા અગાઉ પકડાયેલા પાંચ આરોપી પાસેથી બેંક એકાઉન્ટમાં મેળવી લેતો હતો અને ત્યારબાદ આ પૈસાનું યુએસડીટી લઈ તે યુએસડીટી ચાઈનીઝ ગેંગને આપતો હતો. આરોપી પાસેથી એક મોબાઈલ જપ્ત કરવામાં આવ્યો છે અને તેના બેન્ક એકાઉન્ટમાં રહેલા 16,61,802 રૂપિયા ફ્રીઝ કરવામાં આવ્યા છે.
તો બીજી તરફ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા આરોપીની વધુ પૂછપરછ કરતા અને આરોપી દ્વારા ઓપરેટ કરવામાં આવેલા બેન્ક એકાઉન્ટ ની તપાસ કરતા સામે આવ્યું હતું કે નેશનલ સાઇબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ ઉપર આરોપી દ્વારા ઓપરેટ કરવામાં આવતા અલગ અલગ બેન્ક એકાઉન્ટ પર મહારાષ્ટ્ર કર્ણાટક તેલંગાણા તમિલનાડુ ગુજરાત પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ હરિયાણા કેરાલા દિલ્હી રાજસ્થાન અંધા પ્રદેશ પંજાબ ઓડીસા બિહાર ઉતરાખંડ છત્તીસગઢ હિમાચલ પ્રદેશ જમ્મુ કાશ્મીર ઝારખંડ મધ્ય પ્રદેશ અને નાગાલેન્ડમાં 173 ફરિયાદ નોંધાઇ છે.