December 19, 2024

કેરળના વાયનાડમાં ભૂસ્ખલનથી તબાહી, 8 લોકોના મોત; સેંકડો ફસાયેલા લોકોનું રેસ્ક્યુ યથાવત

કેરળ: આજે વહેલી સવારે કેરળના વાયનાડ જિલ્લામાં મેપ્પડી નજીકના પહાડી વિસ્તારોમાં એક વિશાળ ભૂસ્ખલન થયું હતું. મળતી માહિતી મુજબ સેંકડો લોકો તેમાં ફસાયા હોવાની આશંકા છે. કેરળ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (KSDMA) એ જણાવ્યું છે કે અસરગ્રસ્ત વિસ્તારમાં ફાયર ફોર્સ અને NDRF ટીમો તૈનાત કરવામાં આવી છે. એનડીઆરએફની બીજી ટીમ વાયનાડ પહોંચી રહી છે. બચાવ કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવી રહી છે. આ દરમિયાન ભૂસ્ખલનમાં ત્રણ બાળકો સહિત 8 લોકોના મોત થયા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે.

KSDMA દ્વારા એક ફેસબુક પોસ્ટ અનુસાર, કન્નુર ડિફેન્સ સિક્યુરિટી કોર્પ્સની બે ટીમોને પણ બચાવ પ્રયાસોમાં મદદ કરવા માટે વાયનાડ જવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. અસરગ્રસ્ત વિસ્તારોના સ્થાનિક લોકોએ જણાવ્યું કે ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે. ભારે વરસાદને કારણે બચાવ કાર્યમાં અડચણ આવી રહી છે.

કેન્દ્ર તમામ શક્ય મદદ કરશે – પીએમ મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું છે કે તેઓ વાયનાડના કેટલાક ભાગોમાં ભૂસ્ખલનથી વ્યથિત છે. મારા સંવેદના એ તમામ લોકો સાથે છે જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે અને ઘાયલો માટે પ્રાર્થના. હાલમાં તમામ અસરગ્રસ્તોની મદદ માટે બચાવ કામગીરી ચાલી રહી છે. કેરળના મુખ્ય પ્રધાન શ્રી પિનરાઈ વિજયન સાથે વાત કરી અને ત્યાંની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી.

પીએમ મોદીએ ભૂસ્ખલનમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી 2 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત ઘાયલ લોકોને 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે.

ભૂસ્ખલનથી ફસાયેલા લોકોને વહેલી તકે બહાર કાઢવામાં આવશે- રાહુલ ગાંધી
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વાયનાડના મેપ્પડી પાસે થયેલા મોટા ભૂસ્ખલન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું છે કે મારી હૃદયપૂર્વકની સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે. હું આશા રાખું છું કે જે લોકો હજુ પણ ફસાયેલા છે તેઓને જલ્દી સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવશે. મેં કેરળના મુખ્યમંત્રી અને વાયનાડના જિલ્લા કલેક્ટર સાથે વાત કરી છે, જેમણે મને ખાતરી આપી છે કે બચાવ કામગીરી ચાલુ છે. મેં તેમને વિનંતી કરી છે કે તેઓ તમામ એજન્સીઓ સાથે સંકલન સુનિશ્ચિત કરે. કંટ્રોલ રૂમની સ્થાપના કરે અને રાહત પ્રયાસો માટે જરૂરી કોઈપણ સહાય વિશે અમને જણાવે. હું કેન્દ્રીય મંત્રીઓ સાથે વાત કરીશ અને તેમને વાયનાડને શક્ય તમામ મદદ આપવા વિનંતી કરીશ. હું તમામ UDF કાર્યકરોને બચાવ અને રાહત કામગીરીમાં વહીવટીતંત્રને મદદ કરવા વિનંતી કરું છું.

કેરળના આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે કહ્યું છે કે વાયનાડ ભૂસ્ખલનને ધ્યાનમાં રાખીને, આરોગ્ય વિભાગે એક જિલ્લા સ્તરીય કંટ્રોલ રૂમ ખોલ્યો અને કટોકટીની આરોગ્ય સેવાઓ માટે બે હેલ્પલાઇન નંબર જારી કર્યા. વ્યથિરી, કલપટ્ટા, મેપ્પડી અને માનંતવાડી હોસ્પિટલોને એલર્ટ પર રાખવામાં આવી છે. જ્યાં તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે. તમામ આરોગ્ય કર્મચારીઓ રાત્રે જ સેવા માટે પહોંચી ગયા હતા. વાયનાડમાં આરોગ્ય કર્મચારીઓની વધુ ટીમો તૈનાત કરવામાં આવશે.

આ પણ વાંચો: ઝારખંડમાં મોટો ટ્રેન અકસ્માત, ટ્રેનના 18 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા; 3 લોકોના મોત

ભારે વરસાદ પછી ભૂસ્ખલન
આરોગ્ય વિભાગે કહ્યું કે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનએ કંટ્રોલ રૂમ ખોલ્યો છે અને કટોકટીની સહાય માટે હેલ્પલાઇન નંબર 9656938689 અને 8086010833 જારી કર્યા છે. વાયુસેનાના બે હેલિકોપ્ટર MI-17 અને એક ALH સવારે 7.30 વાગ્યે સુલુરથી રવાના થશે. કેન્દ્રીય પ્રધાન રાજીવ ચંદ્રશેખરે ટ્વીટ કર્યું હતું કે વાયનાડમાં ગઈકાલે રાતથી અનેક ભૂસ્ખલન વિશે સાંભળીને તેઓ દુઃખી છે. હું રાજ્ય સરકારને પીડિત પરિવારોને વહેલી તકે રાહત આપવાની અપીલ કરું છું.

મંત્રી વાયનાડની મુલાકાત લેશેઃ સીએમ
કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને એક નિવેદનમાં કહ્યું કે વાયનાડમાં ભૂસ્ખલન પર બચાવ કાર્ય ઝડપથી હાથ ધરવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે જ્યારથી અમને આ ઘટનાની જાણ થઈ ત્યારથી સરકારી તંત્ર બચાવ કામગીરીમાં જોડાઈ ગયું છે. મંત્રી વાયનાડની મુલાકાત લેશે અને પ્રવૃત્તિઓનું નેતૃત્વ કરશે.