November 25, 2024

સાયબર ફ્રોડ કરી 77 કરોડની લેવડદેવડ, સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 3 શખ્સોની ધરપકડ

અમિત રૂપાપરા, સુરત: સુરત શહેરમાં સામાન્ય લોકોને લોભ લાલચ આપીને અલગ અલગ બેંકમાં નવા એકાઉન્ટ ખોલાવી આ લોકોની બેંકની ચેકબુક તેમજ એટીએમ સહિતની કીટ મેળવી ઉપરાંત લોકોના નામે સીમકાર્ડ લઈ તેને દુબઈ ખાતે મોકલાવી દુબઈ ખાતેથી ઇન્ટરનેટના માધ્યમ દ્વારા દેશના જુદા જુદા ભાગોમાં સાયબર ક્રાઈમના ગુના આચરતા આરોપીને સુરત સાયબર સેલ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. આ આરોપીએ જાન્યુઆરી 2024 થી અત્યાર સુધીમાં 77 કરોડ રૂપિયાના ટ્રાન્જેક્શન કર્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. સુરત શહેર સાયબર ક્રાઇમ દ્વારા આ બાબતમાં ત્રણ આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. જેમાં અજય ઇટાલીયા, જલ્પેશ નડિયાદરા અને વિશાલ ઠુંમરનો સમાવેશ થાય છે અને મિલન વાઘેલા નામના ઇસમને વોન્ટેડ જાહેર કર્યો છે.

આ ગુનામાં સંડોવાયેલા આરોપી અજય ઇટાલીયા, જલ્પેશ નડિયાદરા, વિશાલ ઠુંમર, કેતન વેકરીયા, મિલન વાઘેલા, દશરથ અને જગદીશ સાથે મળીને રાતોરાત ખૂબ સારા રૂપિયા કમાવવા માટે છેલ્લા એક વર્ષથી અલગ અલગ બેન્ક એકાઉન્ટના ધારકોને લોભ લાલચ આપીને આ લોકો પાસેથી તેમના બેંક એકાઉન્ટ મેળવી લેતા હતા. તો કેટલાક લોકોને નવા બેંકમાં એકાઉન્ટ ખોલાવી દઈ તેમની પાસેથી પૈસા મેળવીને બેંકમાંથી આવતી ચેકબુક પાસબુક તેમજ એટીએમ સહિતની કીટ અને એકાઉન્ટમાં રજીસ્ટર કરાવેલા મોબાઈલ નંબરનું સીમકાર્ડ આરોપી લોકો પાસેથી મેળવી લેતા હતા. આ ઉપરાંત ખોટા યુઝરનેમ અને પાસવર્ડ બનાવીને ખોટી કિંમતી જામીનગીરી ઉભી કરી ખોટા ઇલેક્ટ્રોનિક કૂટલેખનવાળા દસ્તાવેજ ઊભા કરી આરોપી દુબઈમાં રહીને ઇન્ટરનેટની મદદથી લોકો સાથે છેતરપિંડી કરતા હતા. આરોપી અલગ અલગ લોકોને ફોન કરીને ખોટી ઓળખ આપી તેમની સાથે છેતરપિંડી કરતા હતા.

પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે આરોપીઓએ 261 અકાઉન્ટોમાં સાયબર ફ્રોડ 77,55,29,020 રૂપિયાના વ્યવહારો કરાવ્યા હતા અને અલગ-અલગ બેંક એકાઉન્ટોમાં આ પૈસા ટ્રાન્સફર કરાવી દીધા હતા અને એટીએમ કાર્ડની મદદથી આ પૈસાને ઉપાડી લઈ દરેક બેન્ક એકાઉન્ટ પેટે અલગ અલગ રકમના કમિશન આરોપી મેળવી લેતા હતા.

તેરે બાતમીના આધારે સુરત શહેર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા મોટા વરાછા લજામણી ચોક ખાતે આવેલ ગોપીનાથ સોસાયટીના સ્વાધ્યાય કોમ્પ્લેક્સમાં 107 નંબરની ઓફિસમાં તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે ઓફિસમાંથી 28 મોબાઈલ, 86 ડેબિટ કાર્ડ, 180 પાસબુક, અલગ અલગ બેંકની 30 ચેકબુક, 258 સીમકાર્ડ એક કોમ્પ્યુટર એક લેપટોપ સહિતનો મુદ્દા માલ પોલીસે જપ્ત કર્યો છે.

ઉલ્લેખનીય છે કે આરોપીની ઓફિસમાંથી જે કોમ્પ્યુટર મળ્યા હતા તેમાંથી કેનેરા બેન્કના અલગ અલગ એકાઉન્ટો ના ઇન્ટરનેટ બેન્કિંગના આઇડી પાસવર્ડ સેવ કરેલા હતા અને કોમ્પ્યુટરની મદદથી આ તમામ આઈડી પાસવર્ડ બેંકના એકાઉન્ટમાં લોગીન કરી તેઓ પૈસા ટ્રાન્સફર કરતા હતા. પોલીસે આ કોમ્પ્યુટર ચેક કરતા માંથી જાન્યુઆરી 2024 થી ગુનો જાહેર થયો ત્યાં સુધીમાં 77,55,29,020 રૂપિયાના વ્યવહારો થયા હોવાનું પોલીસની તપાસમાં સામે આવી છે. આ ઉપરાંત આરોપી પાસેથી મળી આવેલ બેંક એકાઉન્ટની પાસબુક ચેકબુક એટીએમ કાર્ડ ડાયરી તેમજ ઇન્ટરનેટ બેન્કિંગના આધારે આશરે 947 થી વધુ બેન્ક એકાઉન્ટની વિગત પણ પોલીસને મળી છે.

આરોપીની મોર્ડસ ઓપરેન્ડી ની જો વાત કરવામાં આવે તો આ પ્રકારના સાઇબર ક્રિમિનલ્સ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી એસએમએસ whatsapp કે ટેલિગ્રામ દ્વારા પોતાની ઓળખ ઉભી કરી અલગ અલગ લોકો સાથે વાતચીત કરી લોકોને વધારે પૈસા કમાવવાની લાલચ આપી તેમની પાસેથી છેતરપિંડીથી પૈસા પડાવતા હોય છે. ત્યારબાદ અલગ અલગ રાજ્યમાંથી અલગ અલગ લોકો પાસેથી કમિશન ઉપર બેન્ક એકાઉન્ટ લઈને આ છેતરપિંડીની રકમ આ બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવતી હોય છે અને આરોપી હોય આ જ પ્રકારની મોડસોપરેડીથી 261 બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી 77કરોડ કરતાં વધુ રૂપિયાના વ્યવહારો 2024માં કર્યા હોવાનું સામે આવ્યું છે.