‘US એરસ્ટ્રાઈકમાં અત્યાર સુધીમાં 74 લોકોના મોત, 171 ઘાયલ’, યમનના હૂથી વિદ્રોહીઓનો દાવો

US Strikes On Yemeni Oil Port: યમનના હૂથી બળવાખોરોએ દાવો કર્યો છે કે યુએસની એરસ્ટ્રાઈકમાં મૃત્યુઆંક વધીને 74 થઈ ગયો છે, જ્યારે 171 લોકો ઘાયલ થયા છે. આ હુમલા દેશના એક ઓઇલ પોર્ટને નિશાન બનાવીને કરવામાં આવ્યા હતા. ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, હૂથી બળવાખોરોએ એક જાહેર નિવેદનમાં આ માહિતી આપી હતી. જોકે, યુએસ સેના દ્વારા હજુ સુધી આ દાવાની પુષ્ટિ કરવામાં આવી નથી. હૂથી વિદ્રોહીઓએ જણાવ્યું હતું કે આ હુમલો એક મહિનાના હવાઈ હુમલામાં અત્યાર સુધીનો સૌથી ઘાતક હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યુએસ સેનાએ યમનના મુખ્ય રાસ ઈસા ઓઈલ પોર્ટ પર હવાઈ હુમલાની પુષ્ટિ કરી છે. સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) અનુસાર, આ હુમલાઓનો ઉદ્દેશ્ય હૂથી બળવાખોરોની આર્થિક ક્ષમતાને નબળી પાડવાનો હતો. સેન્ટકોમે X પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ઈરાન સમર્થિત હુથી બળવાખોરો તેમની સૈન્ય કામગીરી ચાલુ રાખવા, નિયંત્રણ સ્થાપિત કરવા અને આયાતમાંથી નફો મેળવવા ઈંધણનો ઉપયોગ કરે છે. આ ઇંધણ કાયદેસર રીતે યમનના લોકો સુધી પહોંચવું જોઈએ.

રાસ ઇસા પોર્ટ હૂથી બળવાખોરો માટે આર્થિક શક્તિનો મોટો મહત્ત્વનો સ્ત્રોત
બીજી તરફ યુએસ આર્મીના મતે રાસ ઇસા બંદર હૂથી બળવાખોરો માટે આર્થિક શક્તિનો મુખ્ય સ્ત્રોત છે અને ત્યાંથી થતી ઇંધણની આવકનો ઉપયોગ શસ્ત્રો અને લશ્કરી કામગીરી માટે થઈ રહ્યો છે. તેથી, પોર્ટને ‘ડિગ્રેડ’ કરવું એટલે કે તેને નિષ્ક્રિય કરવું જરૂરી માનવામાં આવતું હતું.

નોંધનીય છે કે, અમેરિકન હુમલો લાલ સમુદ્ર અને એડનના અખાતમાં નાગરિક જહાજો અને લશ્કરી જહાજો પર હૂથી બળવાખોરો દ્વારા કરવામાં આવેલા હુમલાના જવાબમાં કરવામાં આવ્યો છે. 15 માર્ચથી અમેરિકા લગભગ દરરોજ હૂથી વિદ્રોહીઓના લક્ષ્યો પર હવાઈ હુમલા કરી રહ્યું છે. હૂથી બળવાખોરો 2023ના અંતથી ગાઝામાં પેલેસ્ટિનિયનોના સમર્થનમાં આ હુમલાઓનું નામ આપી રહ્યા છે. રાસ ઇસા બંદર યમનના ઉત્તર ભાગમાં આવેલું છે અને ઇંધણનો પુરવઠો અને વેપાર કરે છે.