વિસ્તારાની 70 ફ્લાઈટ્સ થઈ શકે છે રદ, મુસાફરોને પડશે મુશ્કેલી
નવી દિલ્હી: એરલાઈન્સની ઘણી ફ્લાઈટ રદ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં દિલ્હીની પાંચ, બેંગલુરુની ત્રણ અને કોલકાતાની બે ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આજના દિવસે 70 ફ્લાઈટ્સ કેન્સલ થઈ શકે છે. જેના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવશે.
ફ્લાઈટ્સ રદ કરવામાં આવી
ગઈ કાલથી કંપનીની 50 થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. આ સાથે 160 ફ્લાઈટ્સ મોડી પડી છે. તમને જણાવી દઈએ કે વિસ્તારા એરલાઈન્સ ટાટા ગ્રુપની કંપની છે. ત્યારે સવાલ એ પણ થાય કે આટલી બધી ફ્લાઈટ્સને કેમ રદ કરાઈ છે. આ વચ્ચે વિસ્તારા એરલાઈન્સે એક નિવેદન જારી કર્યું છે. જેમાં તેમણે જણાવ્યું કે વિવિધ કારણોસર, ખાસ કરીને ક્રૂની અછતને કારણે અમે મોટી સંખ્યામાં ફ્લાઈટ્સ રદ કરી રહ્યા છીએ. ઘણી ફલાઈટ્સ વિલંબિત પણ થઈ રહી છે. પરિસ્થિતિ જોઈને અમે નિર્ણય કર્યો છે અમે અમારી ફ્લાઈટની સંખ્યામાં ઘટાડો કરીશું.
આ પણ વાંચો: આજે પ્રથમ વખત સુખોઈ અને તેજસને જમ્મુથી શ્રીનગર હાઈવે પર લેન્ડ કરાશે
વેતનને લઈને પાઈલટોમાં અસંતોષ
કહેવામાં આવી રહ્યું છે કે ઈન્ડિયા અને વિસ્તારા એરલાઈન્સના મર્જર હેઠળ બંને કંપનીઓના ક્રૂને એક પગાર માળખા હેઠળ લાવવાની તૈયારીઓ થઈ રહી છે. જેના કારણે એવું થશે કે પાઇલટ્સને 40 કલાકની ઉડાન માટે ફિક્સ પગાર મળશે. જો પાઇલટ્સ વધારના કલાકો ભરે છે તો તેમને અલગથી ચૂકવણી કરવામાં આવશે. હાલમાં વિસ્તારાના પાઇલટ્સને ફ્લાઈટ દીઠ 70 કલાકનો પગાર આપવામાં આવે છે. જોકે એવી વાત સામે આવી છે કે જે નવું પગારને લઈને માળખું તૈયાર કરવામાં આવ્યું છે તેનાથી આ પાઇલટ્સ ખુશ જોવા મળી રહ્યા નથી. હવે વાત રહી મુસાફરોની, તો તેમને હેરાન સિવાય કોઈ ઉપાય રહ્યો નથી. લોકોને ફ્લાઈટ્સ રદ થવાના કારણે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. કંપનીની સર્વિસને લઈને મુસાફરો નારાજ થઈ રહ્યા છે અને જેને લઈને સોશિયલ મીડિયામાં તે વિશે પોસ્ટ પણ કરી રહ્યા છે.