December 17, 2024

7 શખ્સોએ વેચવા કાઢ્યું હતું આખેઆખું ગામ, ગાંધીનગર પોલીસે કરી 2 સૂત્રધારની ધરપકડ

મલ્હાર વોરા, ગાંધીનગર: ગાંધીનગરના દહેગામ તાલુકાના જુના પહાડિયા ગામ વેચવા મુદ્દે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર મામલે હાલ ગાંધીનગર પોલીસે 7 આરોપીમાંથી બે આરોપીની ધરપકડ કરી છે. ગાંધીનગર પોલીસે મુખ્ય આરોપી જયેન્દ્ર ઝાલા અને વિનોદ ઝાલાની ધરપકડ કરીને સમગ્ર મામલે વધુ પૂછપરછ હાથ ધરી છે.

દેગામના જુના પહાડિયા ગામમાં ખોટા દસ્તાવેજ કરીને આખું ગામ બારોબાર વેચી દેવાની ઘટના પ્રકાશમાં આવી હતી. જોકે, આ સમગ્ર મામલો સામે આવતા જ ગાંધીનગર તાલુકા સેવાસદનના અધિકારીઓ દ્વારા સમગ્ર મામલે તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં અધિકારીને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે જમીન વેચનારે સરકારના રેકોર્ડમાં અન્ય જમીનના ફોટા રજૂ કર્યા હતા અને બારોબાર ગામની જમીન વેચી મારી છે. જેથી દહેગામ તાલુકા સેવાસદનના રજીસ્ટ્રારે આ મામલે રખિયાલ પોલીસ મથકે 7 સભ્યો વિરોધ ફરિયાદ નોંધાવી હતી. જો કે, ફરિયાદ દાખલ થયા બાદ ગાંધીનગર પોલીસે સાત આરોપીમાંથી બે આરોપીઓને અટકાયત કરી લીધી છે.

ગાંધીનગર પોલીસે સરકાર સમક્ષ ખોટા દસ્તાવેજ કરીને બારોબાર જમીન વેચી દેવા મઉદ્દે સાત આરોપી સમક્ષ ફરિયાદ રખિયાલ પોલીસ મથકે થતાં પોલીસે તુરત સાત માંથી મુખ્ય બે સૂત્રધાર આરોપી જ્યેન્દ્ર ઝાલા અને વિનોદ ઝાલાની ધરપકડ કરી લીધી છે. આ ઉપરાંત અન્ય ચાર મહિલાઓની પણ અટકાયત કરવાની બાકી હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ જુના પહાડીયા ગામની જમીન ખરીદી કરનાર રાજકોટના જસદણ ખાતે રહેતા અલ્પેશ હીરપરા હાલ ફરાર થઇ જતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. જો કે હાલ ગાંધીનગર પોલીસે બંને આરોપીની અટકાયત કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે. અને અન્ય આરોપીને ઝડપી પાડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.