January 18, 2025

મક્કા ગયેલા 68 ભારતીય હજ યાત્રીઓની મોત તો અનેક ગુમ, મરનારનો આંકડો 600ને પાર

રિયાધઃ એક તરફ ભારત આ વખતે રેકોર્ડ બ્રેક ગરમીનો સામનો કરી રહ્યું છે. તો સાઉદી અરેબિયામાં પણ ગરમીનો કહેર જોવા મળી રહ્યો છે. સ્થિતિ એવી છે કે આકરી ગરમી વચ્ચે મક્કામાં હજ દરમિયાન 600થી વધુ શ્રદ્ધાળુઓના મોત થયા છે. જેમાં 68 ભારતીય નાગરિકો પણ સામેલ છે. સાઉદી અરેબિયાના એક રાજદ્વારીએ બુધવારે જણાવ્યું હતું કે આ વર્ષની હજ યાત્રા દરમિયાન 68 ભારતીય નાગરિકોના મોત થયા છે. જેનાથી કુલ મૃત્યુઆંક 600થી વધુ થઈ ગયો છે. “અમે લગભગ 68 લોકોના મૃત્યુની પુષ્ટિ કરી છે… રાજદ્વારી જેમણે નામ ન આપવાની શરતે વાત કરી. એએફપીને જણાવ્યું છે કે તેમાંથી કેટલાક કુદરતી કારણોસર મૃત્યુ પામ્યા હતા. જેમાં ઘણા વૃદ્ધ યાત્રાળુઓનો સમાવેશ થાય છે અને કેટલાક હવામાનની સ્થિતિને કારણે મૃત્યુ પામ્યા છે એવું અમે માનીએ છીએ.

323 ઇજિપ્તવાસીઓ અને 60 જોર્ડનના મક્કામાં મૃત્યુ પામ્યા
આરબ રાજદ્વારીઓએ જણાવ્યું હતું કે મૃતકોમાં 323 ઇજિપ્તવાસીઓ અને 60 જોર્ડનનો સમાવેશ થાય છે અને એ પણ સ્પષ્ટ કર્યું કે તમામ ઇજિપ્તવાસીઓના મૃત્યુનું કારણ ગરમી છે. ઇન્ડોનેશિયા, ઈરાન, સેનેગલ અને ટ્યુનિશિયા સહિતના અન્ય દેશોએ પણ મૃત્યુની પુષ્ટિ કરી છે, જોકે ઘણા કિસ્સાઓમાં અધિકારીઓએ કારણ જાહેર કર્યું નથી. એએફપી અનુસાર, અત્યાર સુધીમાં કુલ 645 લોકોના મોત થયા છે. ગયા વર્ષે 200 થી વધુ યાત્રાળુઓ મૃત્યુ પામ્યા હતા. જેમાંથી મોટાભાગના ઇન્ડોનેશિયન હતા. સાઉદી અરેબિયાએ મૃત્યુની માહિતી આપી નથી.

આ પણ વાંચો: NEET પેપર લીકના મળ્યા પુરાવા, પટનાના વિદ્યાર્થીએ કબૂલ્યુ; રાતે જ મળ્યું હતું પેપર

કેટલાક ભારતીયો ગુમ થયાની માહિતી પણ છે
રાજદ્વારી જેમણે ભારતીય મૃત્યુની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કેટલાક ભારતીય તીર્થયાત્રીઓ પણ ગુમ થયા હતા. પરંતુ ચોક્કસ સંખ્યા આપવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું, “આ દર વર્ષે થાય છે… અમે એમ ન કહી શકીએ કે આ વર્ષે તે અસામાન્ય રીતે વધારે છે.” “આ ગયા વર્ષની જેમ જ છે, પરંતુ આગામી દિવસોમાં અમારી પાસે વધુ માહિતી હશે.” છેલ્લા ઘણા સમયથી સાઉદી અરેબિયામાં આકરી ગરમી વચ્ચે હજ યોજાઈ રહ્યો છે. ગયા મહિને પ્રકાશિત થયેલા સાઉદી અધ્યયન મુજબ, જ્યાં ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે ત્યાં તાપમાન દર દાયકામાં 0.4 ડિગ્રી સેલ્સિયસ (0.72 ડિગ્રી ફેરનહીટ) વધી રહ્યું છે.