6 લાખ ફોન સ્વીચ ઓફ, 65 હજાર URL બ્લોક… સાયબર ક્રાઇમ સામે સરકારની મોટી કાર્યવાહી
Action Against Cyber Crime: ગૃહ મંત્રાલયની સાયબર વિંગ I4C સતત સાયબર છેતરપિંડી પર કાર્યવાહી કરવા માટે કામ કરી રહી છે. આ અંગે કડક કાર્યવાહી કરતા સરકારે 6 લાખ મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી દીધા છે. આ સાથે MHAની સાયબર વિંગના આદેશ પર 65 હજાર સાયબર ફ્રોડ URL પણ બ્લોક કરી દેવામાં આવ્યા છે. સૂત્રોએ માહિતી આપતા જણાવ્યું છે કે સાયબર ફ્રોડ સાથે સંકળાયેલી લગભગ 800 ઍપ્લિકેશન્સ પણ બ્લોક કરવામાં આવી છે. ગૃહ મંત્રાલયની I4C વિંગ સાયબર ફ્રોડને રોકવા માટે સતત મોટા પગલાં લઈ રહી છે.
2023 માં NCRP (નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ) ને 1 લાખથી વધુ ઇન્વેસ્ટમેન્ટ કૌભાંડોની ફરિયાદો મળી છે. આખા દેશમાં તેને લગતી લગભગ 17 હજાર FIR દાખલ કરવામાં આવી છે. જાન્યુઆરી 2024થી સપ્ટેમ્બર 2024 સુધીમાં ડિજિટલ અરેસ્ટની 6000 ફરિયાદો, ટ્રેડિંગ સ્કેમની 20,043 ફરિયાદો, ઇન્વેસ્ટમેન્ટ સ્કેમની 62,687 ફરિયાદો અને ડેટિંગ સ્કેમની 1725 ફરિયાદો મળી છે.
સાયબર વિંગે શું લીધા પગલાં?
- છેલ્લા 4 મહિનામાં 3.25 લાખ Mule એકાઉન્ટ્સ (ફ્રોડ એકાઉન્ટ્સ) ના ડેબિટ ફ્રીઝ કર્યા
- સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાતા 3401 સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ, વેબસાઇટ્સ, Whatsapp ગ્રુપ્સ બંધ કરવામાં આવ્યા
- છેલ્લા કેટલાંક વર્ષોમાં સાયબર ફ્રોડના 2800 કરોડ રિકવર કરવામાં આવ્યા
- MHAએ 8 લાખ 50 હજાર સાયબર વિકટીમને ફ્રોડથી બચાવ્યા
સાયબર ક્રાઇમ અટકાવવા આ પગલાં ભરવા જઈ રહ્યું છે I4C વિંગ:
- દેશભરમાં સાયબર ક્રાઈમ સંબંધિત કેસોનું સંચાલન કરવા માટે રાષ્ટ્રીય સ્તરનું કોઓર્ડિનેશન સેન્ટર બનાવવું.
- સાયબર ક્રાઈમ સંબંધિત ફરિયાદો સરળતાથી દાખલ કરવામાં મદદ કરવી.
- સાયબર ક્રાઇમ રોકવામાં કાયદા અમલીકરણ એજન્સીઓને મદદ કરવી.
- સાયબર ક્રાઇમના ગતિવિધિઓ અને પેટર્નની ઓળખ કરવી.
- લોકોમાં સાયબર ક્રાઈમ સંબંધિત જાગૃતિ વધારવા માટે માર્ગદર્શિકા જાહેર કરવી.
- નકલી ડિજિટલ પ્લેટફોર્મની ઓળખ કરવી અને તેમની સામે પગલાં લેવા.
- ડિજિટલ અરેસ્ટ પર એલર્ટ આપવું, ડિજિટલ અરેસ્ટની વધતી ઘટનાઓ અંગે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશની પોલીસને ચેતવણી જાહેર કરવી.
- સાયબર કમાન્ડો તાલીમ. આગામી પાંચ વર્ષમાં 5,000 સાયબર કમાન્ડોને તાલીમ આપીને સજ્જ કરવા.
શું છે I4C વિંગ?
I4C વિંગની સ્થાપના 5 ઓકટોબર 2018ના રોજ ગૃહમંત્રાલયના સાયબર અને ઇન્ફોર્મેશન સિક્યોરીટી ડિવિઝન (CIS ડિવિઝન)માં સેન્ટ્રલ સેક્ટર સ્કીમ હેઠળ કરવામાં આવી હતી. તેનો પ્રાથમિક ઉદ્દેશ્ય દેશભરમાં સાયબર ક્રાઈમ સંબંધિત તમામ મુદ્દાઓના સમાધાન માટે રાષ્ટ્રીય સ્તરે કોઓર્ડિનેશન સેન્ટરની સ્થાપના કરવાનો છે. આ કેન્દ્ર તમામ રાજ્યોના કંટ્રોલ રૂમ સાથે જોડાઈને હાઇ પ્રયોરિટી કેસોનું મોનિટરિંગ કરે છે.
આ પોર્ટલ સાયબર ગુનાઓમાં ઉપયોગમાં લેવાતા નકલી કાર્ડ અને એકાઉન્ટ્સ, સાયબર ગુનાઓ અટકાવવા, વિશ્લેષણ અને ગુનાની તપાસમાં સહકાર અને સંકલન માટે કામ કરે છે. આ પ્લેટફોર્મ દ્વારા સીસીટીવી ફૂટેજ માટે વિનંતી મોકલી શકાય છે. આ ઉપરાંત, આ પ્લેટફોર્મ ટેકનિકલ અને કાનૂની સપોર્ટ પણ પ્રદાન કરે છે. આ માટે પેરા મિલિટરી ફોર્સ અને રાજ્ય પોલીસના જવાનોની પસંદગી કરવામાં આવી છે.