December 17, 2024

અરવલ્લી જિલ્લાના રજાઓ ભોગવતા 6 ભૂતિયા શિક્ષકો આખરે ઘરભેગા થયા

અરવલ્લી: રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસથી ભૂતિયા શિક્ષકો સામે આવી રહ્યા છે. આ એવા પ્રકારના શિક્ષકો છે જેઓ સરકારી શાળાઓમાં નોકરી તો કરે છે પરંતુ નોકરી પર હાજર રહેતા નથી. આવા શિક્ષકો સામે હવે સરકારે કાર્યવાહી કરવાની શરૂ કરી છે. અરવલ્લી જિલ્લામાં પણ આ પ્રકારના ભૂતિયા શિક્ષકો સામે આવ્યા હતા. ત્યારે હવે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા આ પ્રકારના ભૂતિયા શિક્ષકો સામે કાર્યવાહી કરી છે.

મળતી માહિતી મુજબ, અરવલ્લી જિલ્લામાં 6 જેટલા ભૂતિયા શિક્ષકો સામે આવ્યા હતા. જિલ્લાના તમામ 6 શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવી છે અને તેમને ફરજમોકૂફ કરવામાં આવ્યા છે. અરવલ્લી જિલ્લાના આ ભૂતિયા શિક્ષકો સામે પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

જાણવા મળી રહ્યું છે કે, અરવલ્લી જિલ્લામાં છેલ્લા એક વર્ષથી ગેરહાજર શિક્ષકો સામે કડક પગલાં લેવામાં આવ્યા છે. જેમાં, પ્રાથમિક શિક્ષક અધિકારીએ અમીયાપુર, દખનેશ્વર, વડાગામના શિક્ષકોને સસ્પેન્ડ કર્યા છે. તો સાથે સાથે, લુસડિયા, રંગપુર, કેશરપૂરના શિક્ષકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગેરકાયદે રજા ભોગવતા શિક્ષકો પર આખરે શિક્ષણ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે.