January 28, 2025

સુરતમાં ગોલ્ડ પાઉડર ચોરીના મામલે 6 આરોપીઓની ધરપકડ

અમિત રૂપાપરા, સુરત: સુરતના મહિધરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ સોનાની ફેક્ટરીમાંથી રાત્રિના સમયે કેટલાક ચોર ઈસમો દ્વારા 1 કિલો 822 ગ્રામ સોનાના રિફાઇન પાવડરના મુદ્દામાલની ચોરી કરવામાં આવી હતી. આ મુદ્દામાલની કિંમત 1 કરોડ 45 લાખ 76 હજાર રૂપિયા હતી. આ ઘટનાને લઈને મહિધરપુરા પોલીસની અલગ અલગ ટીમો દ્વારા આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા અને મહિધરપુરા પોલીસે આ મામલે 6 આરોપીની ધરપકડ કરી છે અને આરોપીઓ પાસેથી 1કિલો 99 ગ્રામ સોનું રિકવર કર્યું છે.

સુરતના મહિધરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વસ્તાદેવડી રોડ પર જીનાવાલા ઉદ્યોગ બિલ્ડિંગમાં મેઝારીયા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડની રિફાઇનિંગ વિભાગમાં ચોરીની ઘટના સામે આવી હતી. રાત્રિના સમયે વેન્ટિલેશન માટે ગોઠવેલા ફેનની જગ્યાની ગ્રીલ તેમજ દીવાલ તોડીને કેટલાક ઈસમો આ ફેક્ટરીમાં પ્રવેશ્યા હતા અને ફેક્ટરીની અંદરથી 1822 ગ્રામ 24 કેરેટના પાવડરની ચોરી કરી હતી. આ સમગ્ર ઘટનાને લઈને મહીધરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે ચોરી થયેલા સોનાની કિંમત 1 કરોડ 45 લાખ 76 હજાર રૂપિયા છે.

પોલીસે કંપનીની અંદર તપાસ કરતાં પોલીસના ધ્યાને આવ્યું હતું કે 26 10 2024 રાત્રે 9:30 વાગ્યાથી 27 10 2024ના રોજ સવારમાં 07:15 વાગ્યા દરમ્યાન આ ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. ત્યારબાદ પોલીસ દ્વારા આ તાત્કાલિક અસરથી અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને પોતાના હ્યુમનસોર્સ તેમજ ટેકનીકલ રીતે તપાસ હાથ ધરવામાં આવી હતી. તો બીજી તરફ ઘટના સ્થળની આસપાસ લાગેલા સીસીટીવી કેમેરાની પણ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી હતી.

પોલીસે આ ચોરીની ઘટનાને લઈને 6 આરોપીની ધરપકડ કરી છે. આ છ આરોપીમાં અનુકુમાર નિશાદ કે જે મેઝારીયા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ માં નોકરી કરે છે. સોનું બિંદ, સંદીપ બિન્દ, ક્રિષ્ના ઉર્ફે કાનો ગુપ્તા, રાહુલ બિંદ અને રોશન નીસાદનો સમાવેશ થાય છે. આ તમામ આરોપી ઉત્તર પ્રદેશના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. તો પોલીસે આરોપી ક્રિષ્ના ઉર્ફે કાના ગુપ્તા તેમજ સંદીપ પાસેથી 403.59 ગ્રામ સોનું તેમ જ આરોપી રોશન તેમજ રાહુલ પાસેથી 695.870 ગ્રામ સોનુ કબજે કર્યું છે. આમ ચારેય પાસેથી 1 કિલો 99 ગ્રામ સોનુ રિકવર કરવામાં આવ્યું છે.

પોલીસની પૂછપરછમાં સામે આવ્યું હતું કે આરોપી અનુકુમાર કે, જે મેઝારીયા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડની રિફાઇનરી માં કામ કરતો હતો. સોનુ બિંદ મુંબઈ અંધેરી પેપર બોક્સ નંદ ભવન ઇન્ડસ્ટ્રીઝમાં કારા જ્વેલરી નામની સોનાની રિફાઇનરીમાં કામ કરતો હતો અને છેલ્લા દોઢ મહિનાથી બેરોજગાર થઈને સુરત આવી ગયો હતો. આરોપી રાહુલ બિંદ પણ મુંબઈના અંધેરી પેપર બોક્સ નંદ ભવન ઇન્ડસ્ટ્રીઝમાં ઉમા જ્વેલરી નામની સોનાની રિફાઇનરીમાં કામ કરી રહ્યો છે. આ આરોપી અલગ અલગ જગ્યા પર સોનાની રિફાઇનરીમાં કામ કરતા હોવાથી તેઓ મેઝારીયા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ચોરી કરવાનો પ્લાન છેલ્લા 1 મહિનાથી બનાવતા હતા અને કંપનીમાં રાત્રે સિક્યુરિટી ન હોવાથી ત્યાં ચોરીનો પ્લાન કર્યો હતો. આરોપી અનુ કુમાર નિશાદ મેઝારીયા જ્વેલર્સમાં નોકરી કરતો હોવાના કારણે તેને કંપનીમાં ક્યારે વધારે પ્રમાણમાં સોનું આવે છે તે બાબતે આરોપીને માહિતી આપી હતી. પકડાયેલા તમામ આરોપી 8થી 12 ધોરણ ભણેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે અને આરોપી અનુકુમાર નિષાદને હોમ લોનના હપ્તા ભરવામાં તકલીફ પડતા તેના સમગ્ર પ્લાન પોતાના મિત્રો સાથે બનાવ્યો હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. મહત્વની વાત એ છે કે આ તમામ આરોપી ચોરીની ઘટનાને અંજામ આપ્યા બાદ ફરાર થઈ ગયા હતા પરંતુ કંપનીમાં કામ કરતો અનુકુમાર ફરાર થયો ન હતો. જેથી કરીને તેના પર કોઈને શંકા ન જાય પરંતુ પોલીસે કંપનીની અંદરના સીસીટીવી ફૂટેજ ચેક કરતા અનુ કુમારની હિલચાલ પર પોલીસને શંકા જણાઈ હતી અને શંકાના આધારે પૂછપરછ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.