January 23, 2025

જમ્મુ-કાશ્મીરમાં સાંજે 5 વાગ્યા સુધી 58.19% મતદાન, કિશ્તવાડમાં સૌથી વધુ

Jammu Kashmir Election 2024: જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ બાદ ફરીથી વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. ભારત સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ પ્રથમવાર વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે, ત્રણ તબક્કામાં યોજાનાર ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું અને સાંજે 5:00 વાગ્યા સુધી જમ્મુ-કાશ્મીરમાં 58.19% મતદાન થયું હતું. બીજા તબક્કાનું મતદાન 25 સપ્ટેમ્બર અને ત્રીજા તબક્કાનું મતદાન પહેલી ઓક્ટોબરે યોજાશે.

કાશ્મીરમાં પ્રમુખ ઉમેદવારોમાં – ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી-માર્કસિસ્ટ (CPI-M)ના મોહમ્મદ યુસુફ તારીગામી સતત પાંચમી વખત કુલગ્રામ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેમના સિવાય કોંગ્રેસ પાર્ટીના ગુલામ અહેમદ મીર ત્રીજી વખત ડૂરુથી ચૂંટણી લડી રહ્યા છે જ્યારે નેશનલ કોન્ફરન્સ (NC)ના સકીના ઇતુ દમહલ હાજીપોરાથી ચૂંટણી લડી રહ્યા છે.

પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)ના સરતાજ મદની (દેવસર) અને અબ્દુલ રહેમાન વીરી (શાંગાસ-અનંતનાગ) પણ અગ્રણી ઉમેદવારોમાં સામેલ છે. બિજબેહરા વિધાનસભા બેઠક પરથી PDPની ઇલ્તિજા મુફ્તી નેશનલ કોન્ફરન્સના બશીર અહેમદ વીરી અને ભાજપના સોફી મોહમ્મદ યુસુફ સામે ચૂંટણી લડી રહી છે. પીડીપીના વાહીદ પારા પુલવામા સીટથી ચૂંટણી લડી રહ્યા છે. તે આતંકવાદના કેસમાં આરોપી છે. તેમને પાર્ટીના ભૂતપૂર્વ સાથીદાર અને NC ઉમેદવાર મોહમ્મદ ખલીલ તરફથી સખત પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રતિબંધિત જમાત-એ-ઈસ્લામીના ભૂતપૂર્વ સભ્ય તલત મજીદ અલીના મેદાનમાં પ્રવેશ સાથે સ્પર્ધા રસપ્રદ બની ગઈ છે.

Jammu Kashmir: સાંજે 5 વાગ્યા સુધી 58.19% મતદાન
સાંજે 5:00 વાગ્યા સુધી જમ્મુ-કાશ્મીરમાં 58.19% મતદાન થયું છે. ટર્નઆઉટ એપ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, અનંતનાગમાં 54.17%, ડોડામાં 69.33%, કિશ્તવાડમાં 77.23%, કુલગામમાં 59.62%, પુલવામામાં 43.87%, રામબનમાં 67.71% અને શોપિયાંમાં 53.64% મતદાન થયું છે.

બપોરે 3 વાગ્યા સુધી 50.65% મતદાન થયું હતું
બપોરે 3 વાગ્યા સુધી જમ્મુ અને કાશ્મીરમાં 50.65% મતદાન થયું હતું. અનંતનાગમાં 46.67%, ડોડામાં 61.90%, કિશ્તવાડમાં 70.03%, કુલગામમાં 50.57%, પુલવામામાં 36.90%, રામબનમાં 60.04% અને શોપિયાંમાં 46.84% મતદાન થયું છે.

PM મોદીએ શું કહ્યું?
જમ્મુ-કાશ્મીર ચૂંટણીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ X પ્લેટફોર્મ પર લખ્યું છે કે હવે જમ્મુ-કાશ્મીરમાં પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. હું દરેકને અપીલ કરું છું કે મોટી સંખ્યામાં આવો અને લોકશાહીના આ તહેવારને મજબૂત કરવા માટે કામ કરો. હું ખાસ કરીને યુવાનોને અને જેઓ પહેલીવાર મતદાન કરી રહ્યા છે તેઓને તેમના મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરું છું.