December 23, 2024

અમદાવાદ બન્યું ગેરકાયદેસર વિદેશીઓનો અડ્ડો? 50થી વધુ બાંગ્લાદેશીઓની અટકાયત

મિહિર સોની, અમદાવાદ: શહેરમાં નકલી ડોક્યુમેન્ટ બનાવીને ગેરકાયદે વસવાટ કરનાર બાંગ્લાદેશી ઝડપાયા છે. ક્રાઇમ બ્રાન્ચે બાળકો અને મહિલાઓ સહિત 50 બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે. આ ઘૂસણખોરીના નેટવર્કની સાથે બાંગ્લાદેશી મહિલાઓને દેહવેપારમાં ધકેલવાના કાંડનો પણ ખુલાસો થયો છે.

અમદાવાદ શહેરમાં તાજેતરમાં બાંગ્લાદેશની મહિલાઓને ગેરકાયદેસર રીતે નોકરીની લાલચ આપી દેહવ્યાપારના ધંધામાં ધકેલી દેવાની ઘટનાનો પર્દાફાશ થયો હતો. જે કેસમાં બનાવટી દસ્તાવેજો બનાવી આપનાર તેમજ મહિલાઓને અમદાવાદ લાવનાર ફારુક મંડળ અને અન્ય લોકો વિરુદ્ધ ફરિયાદ પણ નોંધી કાર્યવાહી કરી હતી. જે બાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. જે જગ્યા પર સગીર છોકરીઓને રાખવામાં આવી હતી ત્યાં તેમજ અન્ય 100 જેટલી શંકાસ્પદ જગ્યાઓ પર તપાસ કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચએ અલગ અલગ ટીમ બનાવી નરોડા પાટિયા , શાહઆલમ ,કુબેરનગર,સરદાર નગર અને ચંડોળા તળાવ સર્ચ કરી ને 48 જેટલા બાંગ્લાદેશી અટકાયત કરી છે. પ્રાથમિક તપાસ કરતા એવી મહિલાઓ પણ સામે આવી હતી કે જેમને પ્રથમ દ્રષ્ટિએ વેશ્યાવૃતિ માટે દબાણ કરવામાં આવ્યું હતું અને તેમના પૈસા બાંગ્લાદેશ ગેરકાયદેસર રીતે મોકલવામાં આવતા હતા.

શહેરનાં અલગ અલગ વિસ્તારમાં ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી કે જ્યાં ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓ વસવાટ કરતા હોય તેવી જગ્યાઓ પર ઓપરેશન કરવામાં આવ્યું હતું જેમાં 250થી વધુ લોકોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે તો 48 જેટલા બાંગ્લાદેશીઓ કે જેઓ ગેરકાયદેસર વસવાટ કરતા હતા તેમની અટકાયત કરવામાં આવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મોટાભાગના બાંગ્લાદેશો પાસે કોઈપણ પુરાવા નહીં હોવાથી તેઓ ની વધુ તપાસ શરૂ કરાય છે. સાથે જ બનાવટી આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ મળી આવ્યા છે જેને કોની સાથે બનાવ્યા છે તેનું વેરીફીકેશન કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત બાંગ્લાદેશીઓ અમદાવાદમાં ગેરકાયદેસર વસવાટ કરી અહીં કમાયેલા પૈસાને બાંગ્લાદેશ પહોંચાડે છે. જોકે સમયાંતરે બાંગ્લાદેશની મહિલાઓ સાથે લગ્ન કરી તેમને અમદાવાદ લાવી દેહ વ્યપાર ના ધંધામાં ધકેલી રહ્યા હોવાનું સામે આવ્યું છે.

પકડાયેલ 48 બાંગલાદેશો પૈકી 32 પુરુષ , 8 મહિલા અને 8 સગીર અટકાયત છે જેમાં મોટા ભાગના પુરુષ મજૂરી કામ કરે છે. ત્યારે છેલ્લા 2 થી 5 વર્ષ સુધી ગેરકાયદેસર વસવાટ કરતા હોવાનું કબૂલ્યું છે. સાથે જ મજૂરીના પૈસા કમાઈ ને બાંગ્લાદેશ હવાલા મારફતે મોકલતા હતા. જેમાં કોના મારફતે આ પૈસા મોકલવામાં આવતા તેની તપાસ શરૂ કરી છે. મહત્વ નું છે કે ગેરકાયદેસર બાંગલાદેશની વસવાટ સર્ચ પહેલા જ ક્રાઇમ બ્રાન્ચે સેટેલાઈટ ઈમેજ થી વસવાટ કેટલો વધ્યો અને દબાણ કેવી રીતે કર્યું છે તેની ખાતરી કરીને આખું ઓપરેશન હાથ ધર્યું હતું. હાલ પકડાયેલ બાંગ્લાદેશીઓ સરકારી બનાવટી ડોક્યુમેન્ટ કયા એજન્ટો સાથે બનાવ્યા છે. તેનું ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તમામ વેરીફીકેશન ચાલી રહ્યું છે.