July 1, 2024

રામનગરી અયોધ્યાને ગુજરાતની ખાસ 5 ભેટ

અમદાવાદ: ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ હવે અંતિમ તબક્કામાં છે. 22 જાન્યુઆરીએ રામલલા આ મંદિરમાં બિરાજશે. અયોધ્યામાં રામ મંદિર માટે દેશભરમાંથી વિવિધ વિશેષ ભેટ મોકલવમાં આવી રહી છે. દેશ સહિત ગુજરાતમાંથી પણ રામ ભક્તોએ રામ મંદિર માટે ખાસ પાંચ ભેટ તૈયાર કરીને અયોધ્યા મોકલવામાં આવી છે. દેશના ખુણે ખુણેથી ખાસ ચીજવસ્તુઓ ભગવાન રામના ચરણોમાં ધરવા માટે તૈયાર કરવામાં આવી છે. ગુજરાતમાં પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઇ અનેરો ઉત્સાહ છે.



અમદાવાદમાં બનેલા ધ્વજ દંડ

રામ મંદિરના શિખર પર અમદાવાદમાં બનેલા ધ્વજ દંડ મંદિરની શોભા વધારશે. રામ મંદિર માટે પિત્તળના 7 ધ્વજદંડ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં રામ મંદિરના મુખ્ય ધ્વજદંડનું નિર્માણ અમદાવાદની શ્રી અંબિકા એન્જીનિયરિંગ વર્કર્સ કંપનીએ કર્યું છે. રામ મંદિરનો મુખ્ય ધ્વજદંડ 44 ફુટ ઉંચો છે અને તેનું વજન 5500 કિલો છે.

 

દ્વારકાધીશ મંદિરની ધજા લહેરાશે
રામ મંદિરમાં ભેટ સોગાત આપવામાં સૌરાષ્ટ્રનો પણ ફાળો છે. અયોધ્યાના રામ મંદિર પર પ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિરની ધજા લહેરાશે. રામ મંદિર માટે ખાસ 13 ગજની ધજા તૈયાર કરવામાં આવી છે. સુત્રો અનુસાર ગુજરાતના મીઠાપુરના યોગેશભાઈ ફલડિયાના પરિવાર દ્વારા આ સંકલ્પ કરવામાં આવ્યો હતો. અયોધ્યા રામ મંદિર પ્રશાસન દ્વારા મંજૂરી મળ્યા બાદ દ્વારકાધીશ મંદિરના પૂજારી દ્વારા રામ મંદિરની ધજાની પૂજા કરીને અયોધ્યા મોકલવામાં આવી છે. રામ મંદિરની આ 13 ગજની ધજામાં 13 અક્ષરમાં શ્રી રામ જય રામ જય જય રામ નામ લખેલું છે.

રામ મંદિરમાં ગુંજશે અમદાવાદના 450 કિલોના નગારા
અમદાવાદમાં અખિલ ભારતીય દબગર સમાજ દ્વારા રામ મંદિર માટે 700 કિલો પાવર સ્ટીયરિંગ રથ સાથે 350 કિલોનું વિશાળ નગારા બનાવવામાં આવ્યા છે. લગભગ 15 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલ આ આ વિશાળ નગારા રામ મંદિરના સિંહદ્વાર પર મુકવામાં આવશે. રામ મંદિર માટે આ 56 ઇંચના નગારા લોખંડની 6 એમએમની પ્લેટમાંથી બનાવવામાં આવ્યો છે. આ નગારા ખુબ જ મજબૂત છે અને તેના ઉપર ગમે તેટલી વખત ચામડું બદલાય તો પણ તેના આકારને કોઇ નુકસાન થશે નહીં. આ નગારા ઉપર ખાસ કારીગરો દ્વારા નકશીકામ કરાવવામાં આવ્યું છે અને તેના પર સોના અને ચાંદીનો ગીલેટ પણ કરવમાં આવ્યો છે.

વડોદરાનો 1100 કિલોનો દીપક
વડોદરાના મકરપુરામાં 10 જેટલા કારીગરોએ 12 દિવસ સતત 24 કલાક કામ કરીને સ્ટીલમાંથી આ દીપક બનાવ્યો છે. રામ મંદિર માટે વડોદરાના રામભક્ત અરવિંદ પટેલે 1100 કિલોનો દીપક બનાવ્યો છે. 1100 કિલોના આ દીપક 9 ફુટ ઉંચો અને આઠ ફુટ પહોંળો છે અને તેમાં 15 કિલોની રૂની દિવેટ પ્રગટાવવા ચાર ફુટની મશાલ તૈયાર કરવામાં આવી છે. દિવેટ સુધી પહોંચવા માટે અલગથી આઠ ફુટની સીડી પણ બનાવવામાં આવી છે. આ વિશાળ દીપકમાં 501 કિલો ઘી પૂરવાની ક્ષમતા છે. આ દીપકને પ્રગટાવવામાં આવે તો તે બે મહિના કરતા વધારે સમય સુધી પ્રજ્વલીત રહેશે.

વડોદરાની 3500 કિલોની અગરબત્તીથી મહેકશે રામ મંદિર
રામ મંદિર માટે વડોદરામાં પંચદ્રવ્યોમાંથી 108 ફૂટની અગરબત્તી તૈયાર કરવામાં આવી છે. વડોદરાના ગોપાલક સમાજ અને રામ ભક્તો દ્વારા 108 ફૂટ લંબા અગરબત્તી બનાવીને અયોધ્યા મોકલી છે. 3.5 ફૂટ પહોંળી આ અગરબત્તીનું કુલ વજન 3500 કિગ્રા છે. આ અગરબત્તી બનાવવા 191 કિલો ગીર ગાયનું શુદ્ધ ઘી, 376 કિલો શુદ્ધ ગુગળ ધૂપ, 280 કિલો જવ, 280 કિલો તલ, 376 કિલો કોપરાની છીણ, 425 કિલો હવન સામગ્રી અને 1475 કિલો ગાયના છાણના ભૂકાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વડોદરાની આ વિશાળ અગરબત્તી રામ મંદિરમાં 45 દિવસ સુધી સુંગધ પ્રસાવરશે.