હવાઈ હુમલામાં 40 લોકોના મોત, ઈઝરાયલે લેબનોન પર ફરી કર્યો બોમ્બમારો
Israel Hezbollah War: ગાઝા અને હિઝબુલ્લાહ સાથે ઈઝરાયલનો સંઘર્ષ ચાલુ છે. આ દરમિયાન ઈઝરાયલે ફરી એકવાર હવાઈ હુમલો કર્યો છે. જેમાં બાળકો સહિત 40 લોકોએ જીવ ગુમાવ્યા હતા. લેબનીઝ અધિકારીઓએ શનિવારે, 9 નવેમ્બરના રોજ જણાવ્યું હતું કે અગાઉના દિવસે ઈઝરાયલના હવાઈ હુમલામાં બાળકો સહિત 40 લોકો માર્યા ગયા હતા. લેબનીઝ આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, શુક્રવાર 8 નવેમ્બરના રોજ, દરિયા કિનારે આવેલા શહેર ટાયરમાં 7 લોકોના મોત થયા હતા. આ પહેલા ઈઝરાયલની સેનાએ શહેરના ઘણા ભાગોને ખાલી કરવાનો આદેશ આપ્યો હતો. પરંતુ શુક્રવારે થયેલા હુમલા પહેલા ઈઝરાયલી સેનાએ આવો કોઈ આદેશ આપ્યો ન હતો.
લેબનોનમાં ઈઝરાયલ હુમલા બાદ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. હુમલા બાદ મૃતકોના મૃતદેહોનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે. લેબનોનના આરોગ્ય મંત્રાલયે શનિવારે જણાવ્યું હતું કે નજીકના નગરોમાં થયેલા હુમલામાં 13 લોકો માર્યા ગયા હતા. આમાં કેટલાક ડોકટરો પણ સામેલ હતા. આ સિવાય બાલબેકની આસપાસ ઈઝરાયલના હવાઈ હુમલામાં પણ 20 લોકોના મોત થયા છે.
3 હજારથી વધુ લોકોના મોત થયા
ઈઝરાયલે એક નિવેદન જારી કરીને કહ્યું કે તેણે ટાયર અને બાલબેકમાં હિઝબુલ્લાહના સ્થાનો પર હુમલો કર્યો છે. આ થાણાઓમાં લડવૈયાઓ, ઓપરેશનલ એપાર્ટમેન્ટ્સ અને હથિયારોના સ્ટોરનો સમાવેશ થાય છે. લેબનીઝ હેલ્થ મિનિસ્ટ્રીના જણાવ્યા અનુસાર, ઈઝરાયલ છેલ્લા વર્ષથી લેબનોનમાં હુમલાઓ કરી રહ્યું છે. જેમાં અત્યાર સુધીમાં 3 હજાર 136 લોકોના મોત થયા છે. મૃતકોમાં 619 મહિલાઓ અને 194 બાળકો પણ સામેલ છે.
આ પણ વાંચો: મેક્સિકોના બારમાં અંધાધૂંધ ગોળીબાર, 10ના મોત અને અનેક ઘાયલ
ઈઝરાયલ-હિઝબુલ્લાહ યુદ્ધ યથાવત
તમને જણાવી દઈએ કે ઈઝરાયલ સપ્ટેમ્બર 2024થી લેબનોન પર સતત હુમલો કરી રહ્યું છે. જો કે હિઝબુલ્લા સાથે ઈઝરાયલનો સંઘર્ષ ગયા વર્ષના ઓક્ટોબરથી ચાલી રહ્યો છે. આ દરમિયાન હિઝબુલ્લાહ પણ રોકેટ અને ડ્રોન દ્વારા સતત હુમલા કરી રહ્યું છે. તમને જણાવી દઈએ કે, 9 નવેમ્બર શનિવારના રોજ હિઝબુલ્લાએ તેલ અવીવના દક્ષિણમાં સ્થિત એક સૈન્ય ફેક્ટરી પર હુમલો કર્યો હતો.