July 4, 2024

સુરત જિલ્લાના ઓલપાડ, માંડવી, પલસાણા અને બારડોલી તાલુકાના 33 માર્ગો બંધ

સુરત: દક્ષિણ ગુજરાતમાં ધોધામાર વરસાદના પગલે અહીં જનજીવનને માઠી અસર પહોંચી છે. સુરત જિલ્લાના ઓલપાડ, માંડવી, પલસાણા અને બારડોલી તાલુકાના 33 માર્ગો બંધ કરાયા છે. લોલેવલ કોઝવે ઓવર ટોપિંગના કારણે અને માર્ગ મકાન પંચાયત હસ્તકના રસ્તા બંધ કરાયા છે. ઓલપાડના 6, માંડવીના 3, પલસાણાના 4, બારડોલીના 20 મળી 33 રસ્તા બંધ કરાયા છે.

વલસાડમાં ભારે વરસાદના કારણે કુંડી ગામના મુખ્ય બે માર્ગો પર કમરસમાં પાણી ભરાયા છે જેના કારણે બંને માર્ગો બંધ કરાયા છે. રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકોએ નેશનલ હાઇવે 48 પરથી 15 કિલોમીટરનો ચકરાવો કરી કુંડી ગામે આવવા મજબૂર બન્યા છે. ત્યાં જ સરોણ ગામની 5થી 8ની શાળા બંધ કરી દેવામાં આવી છે.

વલસાડ જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદના કારણે વલસાડ નેશનલ હાઇવે 48 પર વાઘલધરા નજીક મસ્ત મોટા ખાડા પડી જવાના કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. નેશનલ હાઇવે પડેલા ખાડાને વાઘલધરા નજીક કેટલીક ગાડીઓ ખાડામાં ફસાઈ હતી. તો ખાડાઓને કારણે નેશનલ હાઇવે 48 પર ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી. હાઇવે પર પડેલા ખાડાઓમાં ગાડી ફસાતા ડુંગરી પોલીસની ટીમ તથા સ્થાનિકો દ્રારા ફસાયેલી ગાડીઓને કાઢવાની કામગીરી હાથ ધરી હતી. ત્યારે લાખો રૂપિયાનો ટોલટેક્ષ લેતી હાઇવે ઓથોરિટી વહેલી તકે હાઇવે ઉપર પડેલા ખાડા પુરે એ જરૂરી બન્યું છે.