December 22, 2024

33 લોકોના મોત…195થી વધુ ઈજાગ્રસ્ત, ઈઝરાયલી હુમલામાં લેબનોન તબાહ; લાખો લોકોએ છોડ્યું ઘર

Israel: ઈઝરાયલના હુમલામાં લેબનોનમાં 33 લોકો માર્યા ગયા હતા અને 195 લોકો ઘાયલ થયા હતા. લેબનોનના સ્વાસ્થ્ય મંત્રાલયે આ જાણકારી આપી છે. લેબનીઝ મંત્રી નાસેર યાસીને ન્યૂઝ એજન્સી રોઇટર્સને જણાવ્યું છે કે ઈઝરાયલના હુમલાથી લગભગ 10 લાખ લેબનીઝ લોકો વિસ્થાપિત થયા છે, જ્યારે શુક્રવારના હુમલા બાદ હજારો લોકોને ઘર છોડીને ભાગવાની ફરજ પડી છે.

મંત્રીએ કહ્યું કે જે રીતે ઈઝરાયલે લેબનોન પર બોમ્બમારો કર્યો તે પછી ઘણા પરિવારો લેબેનોન છોડીને ગયા. હકીકતમાં, ઈઝરાયલે શુક્રવારે મોડી રાત્રે બેરૂતમાં હિઝબુલ્લાહના મુખ્યાલય પર જોરદાર હુમલો કર્યો હતો. આ હુમલામાં હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહ માર્યા ગયા હતા. તેના ઘણા કમાન્ડરો પણ માર્યા ગયા. હિઝબુલ્લાએ શનિવારે નસરાલ્લાહના મૃત્યુની પુષ્ટિ કરી હતી.

નસરાલ્લાહના મૃત્યુ બાદ લેબનોનમાં ત્રણ દિવસનો શોક
હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહના મૃત્યુ બાદ લેબનોને ત્રણ દિવસનો શોક જાહેર કર્યો છે. આ સાથે જ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ નસરાલ્લાહના મૃત્યુને પોતાની સૌથી મોટી ઉપલબ્ધિ ગણાવી છે. નેતન્યાહુએ કહ્યું કે નસરાલ્લાહની હત્યા એ એક ઐતિહાસિક વળાંક છે જે મધ્ય પૂર્વમાં સત્તાનું સંતુલન બદલી શકે છે. આ સાથે તેમણે આવનારા પડકારજનક દિવસોની ચેતવણી પણ આપી હતી.

આ પણ વાંચો: કુલગામ બાદ હવે કઠુઆમાં અથડામણ… સુરક્ષાદળોએ આતંકીઓને ઘેર્યા, એક જવાન શહીદ

ઈઝરાયલના હુમલામાં નસરાલ્લાહ માર્યો ગયો
નસરાલ્લાહના મોત બાદ ઈઝરાયલની સેનાએ કહ્યું હતું કે દુશ્મનો સુધી પહોંચવામાં વધુ સમય નહીં લાગે. IDFએ નસરાલ્લાહને ત્યારે નિશાન બનાવ્યો જ્યારે તે ઈઝરાયલ પર હુમલાની યોજના બનાવી રહ્યો હતો. તે હેડક્વાર્ટર પહોંચ્યાની થોડી જ મિનિટોમાં ઈઝરાયલે તેના પર બંકર બસ્ટર બોમ્બથી હુમલો કર્યો. આ હુમલામાં નસરાલ્લાહ માર્યો ગયો હતો. નસરાલ્લાહના મૃત્યુ બાદ લેબનોનમાં જબરદસ્ત ગુસ્સો છે. તેણે ઈઝરાયલ પર હુમલો કરવાનું શરૂ કરી દીધું છે. બીજી તરફ ઇઝરાયલે પણ લેબનોન પર બોમ્બમારો શરૂ કરી દીધો છે.

નસરાલ્લાહના મૃત્યુ પર બાઈડને શું કહ્યું?
હિઝબુલ્લાહ ચીફના મોત પર અમેરિકાએ પણ મોટું નિવેદન આપ્યું છે. રાષ્ટ્રપતિ બાઈડને ઈઝરાયલના સ્વ-બચાવને સમર્થન આપ્યું હતું. બાઈડને કહ્યું કે હસન અમેરિકનોની હત્યા માટે જવાબદાર છે. તેણે સેંકડો અમેરિકનોની હત્યા કરી હતી. પીડિતોને ન્યાય મળ્યો.