3000 વર્ષ જૂનાં ખજાનાનું એલિયન સાથે કનેક્શન, વૈજ્ઞાનિકોએ કર્યો ચોંકાવનારો ખુલાસો
ઇન્ટરનેશનલ ડેસ્કઃ યુરોપમાંથી મળેલા કાંસ્ય યુગના સૌથી મોટા સોનાના ભંડારામાંથી એક ‘વિલેનાનો ખજાનો’ મામલે એક મોટું અપડેટ સામે આવ્યું છે. આ ખજાનામાં સોનુ, ચાંદી, લોખંડ અને એમ્બરથી બનેલી 59 કિંમતી વસ્તુઓ છે. તાજેતરમાં થયેલા એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, આ ખજાનામાં મળેલી ધાતુ પૃથ્વી બહારથી આવેલી છે.
ટ્રૈબજોસ ડી પ્રિહિસ્ટોરિયા જર્નલમાં પ્રકાશિત રિસર્ચ પેપરમાં જણાવવામાં આવ્યું છે કે, બે કલાકૃતિઓ એ ધાતુમાંથી બનાવવામાં આવી છે કે જે અંદાજે 10 લાખ વર્ષ પહેલાં આપણા ગ્રહ સાથે અથડાયેલા ઉલ્કાપિંડમાંથી આવી હતી. સ્પેનિશ ન્યૂઝપેપર એલ પેસના જણાવ્યા પ્રમાણે, આ વિશ્લેષણમાં લોખંડના બે ટુકડાઓનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. એક સી આકારનું સોનાનું કવર ચડાવેલી બંગડી અને બીજી અન્ય બંગડી હતી. બંનેનો સમય 1400થી 1200 ઇસવીસન પૂર્વે વચ્ચેનો છે. મહત્વની વાત તો એ છે કે, આ સમય લોહયુગ પહેલાંનો છે.
લાઇવ સાયન્સના જણાવ્યા પ્રમાણે, આ સ્ટડીના વરિષ્ઠ લેખક ઇન્ગાસિયો મોન્ટેરો રુઇઝે જણાવ્યુ છે કે, ‘સોના અને લોખંડ વચ્ચે મહત્વપૂર્ણ સંબંધ છે. કારણ કે બંને તત્વોનું પ્રતિકાત્મક અને સામાજિક મૂલ્ય ઘણું છે. આ મામલે કલાકૃતિઓ છુપાયેલો ખજાનો હોવાની શક્યતા છે. જે કદાચ એક વ્યક્તિ નહીં પરંતુ એક આખા સમુદાયનો હોય શકે છે. આ ઐતિહાસિક કાળ દરમિયાન આઇબેરિયન પ્રાયદ્વીપમાં કોઈ રાજ્ય નહોતું.’
સંશોધકોએ આ અભ્યાસમાં ધાતુ પર માસ સ્પેક્ટ્રોમેટ્રીનો ઉપયોગ કર્યો અને જાણ્યુ કે, લોખંડ-નિકલ મિશ્ર ધાતુના નિશાન ઉલ્કાપિંડ લોખંડમાંથી મળેલા નિશાન જેવાં જ હતા. રુઇજના જણાવ્યા પ્રમાણે, તાંબા આધારિત ધાતુ વિજ્ઞાનની તુલનામાં લોખંડના કામમાં આખી અલગ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ પદ્ઘતિનો ઉપયોગ તે સમયે સોનુ અને ચાંદી જેવી ઉત્કૃષ્ટ ધાતુઓ માટે કરવામાં આવતો હતો. તેનો મતલબ એવો છે કે, જે લોકો ઉલ્કાપિંડીય લોખંડની સાથે કામ કરતા હતા, તેમને નવી ટેક્નિકનો આવિષ્કાર અને વિકાસ કરવો પડ્યો હતો.
અભ્યાસમાં સંશોધકોએ દાવો કર્યો છે કે, આઇબેરિયન પ્રાયદ્રીપમાં મળનારા પેહલા અને સૌથી જૂના ઉલ્કાપિંડ છે, પરંતુ આ વસ્તુઓ કોણે બનાવી અને ક્યાંથી આવી છે તે અંગેની કોઈ પુષ્ટિ કરી શક્યા નથી.