September 20, 2024

જામનગરમાં પણ સામે આવ્યા 3 ભૂતિયા શિક્ષકો, શિક્ષણ વિભાગે કરી કાર્યવાહી

જામનગર: રાજ્યમાં છેલ્લા કેટલાંક દિવસોથી શિક્ષણ જગતના કલંક લાગે તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. રાજ્યમાં અનેક એવા શિક્ષકોનો ખુલાસો થઈ રહ્યો છે જેઓ વર્ષોથી શાળાએ જ નથી આવ્યા અને દેશ વિદેશમાં મજા માણી રહ્યા છે. તો હવે, જામનગર જિલ્લામાંથી પણ આવા ભૂતિયા શિક્ષકોનો ખુલાસો થયો છે. તો આવા ભૂતિયા અને રેઢિયાળ શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

રાજ્ય સરકારે ભૂતિયા શિક્ષકો સામે કડક પગલાં લેવાનું શરુ કર્યું છે. જામનગર જિલ્લામાં પણ કેટલાક રેઢિયાળ શિક્ષકો સામે આવ્યા છે, જેમાં 3 શિક્ષકો છેલ્લા ઘણા સમયથી ગેરહાજર હોવાનું સામે આવ્યું છે. આ 3 શિક્ષકો રજા લીધા વગર ગેરહાજર હોવાનું સામે આવ્યું છે.

જામજોધપુર, લાલપુર અને જામનગર ગ્રામ્યના 3 શિક્ષકો ફરજમાં બેદરકારી દાખવી રહ્યા હોઈ તેવું ધ્યાને આવ્યું છે. કચોટ દેવાત, રાઠોડ પાર્થ અને સોનલ સોલંકી નામના શિક્ષકો લાંબા સમયથી ગેરહાજર હોવાનું સામે આવ્યું છે. શિક્ષણ વિભાગ દ્વારા ત્રણેય શિક્ષકોને નોટિસ આપી જવાબ માંગવામાં આવ્યા છે. તમામ સામે રાજ્ય સરકારની ગાઇડલાઈન મુજબ કાર્યવાહી કરવામાં આવશે તેવું જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ જણાવ્યું છે.